ગુજરાતનો આ જિલ્લો હજુ પણ ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર જ સંપૂર્ણપણે નિર્ભર

રાજકીય ઈચ્છાશક્તિ અને દ્રષ્ટિકોણના અભાવે બોટાદ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરવામાં નિષ્ફળ
બોટાદ, બોટાદ જિલ્લો બન્યાથી અત્યાર સુધી ઔદ્યોગિક ક્ષેત્રે અપેક્ષિત વિકાસ નોંધાવી શક્યો નથી. રાજ્યના અન્ય જિલ્લાઓ અગ્રેસર બની ચૂક્યા છે, પરંતુ બોટાદ જિલ્લો હજુ પણ ખેતીઅને હીરા ઉદ્યોગ ઉપર જ સંપૂર્ણપણે નિર્ભર છે. જિલ્લામાં ઉદ્યોગ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર અને રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ આ ક્ષેત્રના વિકાસમાં મુખ્ય અવરોધરૂપ બન્યો છે.
બોટાદ જિલ્લો સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગપતિઓના મતે ભૂગોળીય રીતે ઉદ્યોગ વિકાસ માટે અત્યંત અનુકુળ છે. જિલ્લાની રાજધાની બોટાદ શહેર રાજ્યના મુખ્ય માર્ગો સાથે સારી રીતે જોડાયેલું છે. આમ છતાં અત્યાર સુધી કોઈ ખાસ ઈન્ડસ્ટ્રીયલ ઝોન, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક કે સિધ્ધ ઉદ્યોગ નીતીનો અમલ અહીં થઈ શક્યો નથી. જિલ્લામાં નાના સ્તરે કેટલાક પરંપરાગત ઉદ્યોગો જેમ કે પાટલું ઉદ્યોગ, સોના ચાંદીની કારીગરી, મશીનરી રિપેરિંગ અને કૃષિ આધારિત પ્રોસેસિંગ યુનિટ્સ જોવા મળે છે પરંતુ મોટાપાયે રોજગારી આપનારા ઉદ્યોગોનો વિકાસ થયો નથી.
બોટાદના યુવાનો રોજગારીની શોધમાં સુરત, રાજકોટ, અમદાવાદ અને અન્ય શહેરોમાં સ્થળાંતર કરવા મજબુર બન્યા છે. રાજકીય નિષ્ણાતોના મતે બોટાદના વિકાસમાં મુખ્ય ખામી દ્રષ્ટિ અને યોજનાનો અભાવ છે. જિલ્લો બન્યો ત્યારથી રાજકીયચ સ્તરે ઉદ્યોગ વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી નથી. સરકાર દ્વારા યોજનાઓ તો બનાવવામાં આવે છે,
પરંતુ અમલના સ્તરે તેની અસર દેખાતી નથી.જિલ્લાના પાળિયાદ રોડ, બરવાળા, ગઢડા માર્ગ તથા રાણપુર વિસ્તાર ઔદ્યોગિક ઝોન તરીકે વિકસાવવામાં આવે તો હજારો લોકોને રોજગારી મળી શકે છે. વિશેષજ્ઞોના મતે બોટાદ જિલ્લામાં ટેકસટાઈલ, સિરામિક એગ્રી-પ્રોસેસિંગ યુનિટ્સ, ફુડ પ્રોસેસિંગ ફેકટરીઝ, ઓટોમોબાઈલ, પાર્ટસ મેન્યુફેકચરિંગ અને ઈલેકટ્રોનિક એસેમ્બલી યુનિટ્સ જેવા ઉદ્યોગ સ્થાપવાની વિશાળ શક્યતા છે.
સરકારની મહિલા ઉદ્યોગ સાહસિક યોજનાઓ હેઠળ સહાય મળી શકે છે, પંરતુ તેની જાણકારી અને માર્ગદર્શન માટે સ્થાનિક સ્તરે તંત્રએ સક્રિય થવું જરૂરી છે. બોટાદને ઔદ્યોગિક ઉછાળો આપવા માટે સ્પષ્ટ રાજકીય દ્રષ્ટિ, ઉદ્યોગમિત્ર નીતિઓ, ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ અને યુવાનોને ઉદ્યોગ તરફ પ્રોત્સાહન આપતી તાલીમ યોજનાઓ જરૂરી છે.