ઇઝરાયેલ-હમાસ વચ્ચે શાંતિકરાર બે વર્ષના યુદ્ધનો આખરે અંત

કૈરો, ગાઝામાં બે વર્ષના યુદ્ધ પછી ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ગુરુવારે શાંતિસમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ થયેલી આ સમજૂતી હેઠળ હવે યુદ્ધવિરામ થશે. હમાસ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ઇઝરાયેલના બાકીના તમામ બંધકોને મુક્ત કરશે.
સમજૂતીની જાહેરાત સાથે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને દેશોના લોકોએ ઉજવણી કરી હતી. આ સમજૂતી બે વર્ષના યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવાનું અત્યાર સુધીનું સૌથી મોટું પગલું માનવામાં આવે છે.
બંને પક્ષોના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે તેમણે ઇજિપ્તના શર્મ અલ-શેખના બીચ રિસોર્ટમાં પરોક્ષ વાટાઘાટો બાદ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ લડાઈ બંધ થશે. ઇઝરાયલ ગાઝામાંથી આંશિક રીતે તેના સૈનિકોને પાછા ખેંચી લેશે અને સેંકડો પેલેસ્ટિનિયનને તેની જેલમાંથી મુક્ત કરશે.
હમાસ પણ ઇઝરાયેલના બાકીના તમામ બંધકોને મુક્ત કરશે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે તેમની સરકાર દ્વારા કરારને બહાલી આપવામાં આવ્યા પછી યુદ્ધવિરામ અમલમાં આવશે. ગુરુવારે સિક્યોરિટી કેબિનેટની બેઠક પછી સરકાર આ યુદ્ધવિરામ સમજૂતીને મંજૂરી આપશે.
જોકે ટ્રમ્પે રજૂ કરેલી ૨૦ મુદ્દાની શાંતિ યોજનાના ઘણા પાસાંઓ અંગે હજુ અનિશ્ચિતતા ઊભી છે. હમાસનુ નિઃશસ્ત્રીકરણની કેવી રીતે કરાશે, હમાસનું ભાવિ શું હશે તથા ગાઝા પર કોણ શાસન કરશે તે અંગે અનિશ્ચિતતા છે.
આ મુદ્દાઓ અંગે બંને દેશો વચ્ચે વાટાઘાટો બાકી છે. હમાસ અગાઉ તેના નિઃશસ્ત્રીકરણની ઇઝરાયેલની માગણીને નકારી ચુક્યું છે.બંને વચ્ચેન સમજૂતી મુજબ ઇઝરાયેલી દળો ખોરાક અને તબીબી સહાય લઈ જતા વધુ ટ્રકોના કાફલાને ગાઝામાં પ્રવેશવાની મંજૂરી આપશે. ઇઝરાયેલી હુમલાઓના ગાઝાના મોટાભાગના શહેરો ખંડેર બની ગયા છે અને લાખો લોકો તંબુઓમાં આશ્રય લઈ રહી છે. આવા લોકોને હવે માનવીય સહાય મળશે.
ઇઝરાયેલી સૈનિકો પાછા હટવાની તૈયારી કરી રહ્યા હોવાના સંકેતો અગાઉથી મળ્યાં હતાં. મધ્ય ગાઝા પટ્ટીમાં નુસેરાત કેમ્પ નજીક એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તેને ઇઝરાયેલી સેનાને એક ત્યજી દેવાયેલા સૈન્ય સ્થાનને ઉડાવી દેતા અને વિસ્તારની દેખરેખ માટે ઉપયોગમાં લેવાતી ક્રેનને નીચે ઉતારતા જોયા હતા.ગાઝામાં યુદ્ધવિરામની સત્તાવાર શરૂઆત પહેલાં ગુરુવારે ઇઝરાયેલી હુમલાઓ અને ફાયરિંગ ચાલુ રહ્યા હતાં.
જોકે યુદ્ધવિરામની ધારણાએ આ હુમલા અગાઉની સરખામણીમાં ઘણા ઓછા હતાં. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગુરુવારે દિવસ દરમિયાન ઇઝરાયેલી ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ પેલેસ્ટિનિયનોના મોત થયા હતાં.
આ ઉપરાંત અગાઉના ૨૪ કલાકમાં નવ લોકોના મોત થયા હતાં. ઇઝરાયેલી સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકારી બેઠકના ૨૪ કલાકની અંદર યુદ્ધવિરામ અમલમાં આવશે. તે ૨૪ કલાકના સમયગાળા પછી ગાઝામાં રાખવામાં આવેલા બંધકોને ૭૨ કલાકમાં મુક્ત કરવામાં આવશે.
ગાઝામાં હજુ પણ ૨૦ ઇઝરાયેલી બંધકો જીવતા હોવાનું અને ૨૬ના મોત થયા હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત બે બંધકોના ભાવિ અંગે અનિશ્ચિતતા છે. હમાસે સંકેત આપ્યો હતો કે મૃતદેહ સોંપવામાં વધુ વિલંબ થઈ શકે છે.SS1MS