Western Times News

Gujarati News

ભારત સાથે સીધી ફ્લાઇટ્‌સ સંબંધો સુધારવામાં સકારાત્મક પગલુંઃ ચીન

બેઇજિંગ, આશરે પાંચ વર્ષ પછી ભારત સાથે સીધી ફ્લાઇટ્‌સ ફરી શરૂ કરવાને એક સકારાત્મક પગલું ગણાવીને ચીને ગુરુવારે જણાવ્યું હતું કે આ નિર્ણય દર્શાવે છે કે બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે થયેલી સમજૂતીઓ પર વિશ્વાસપૂર્વક કાર્ય કરી રહ્યા છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિઆકુને જણાવ્યું હતું કે ડાયરેક્ટ ફ્લાઇટ્‌સ ઓક્ટોબરના અંતમાં ચાલુ થશે. અગાઉ ભારતે ૨ ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે ચીન સાથેની ડાયરેક્ટ ફ્લાઇટ્‌સ ૨૬ ઓક્ટોબરથી ફરી ચાલુ થશે.

એક સવાલના જવાબમાં ગુઓએ જણાવ્યું હતું કે તાજેતરની આ હિલચાલ દર્શાવે છે કે બંને દેશો ૩૧ ઓગસ્ટે તિયાનજિનમાં પ્રેસિડન્ટ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મહત્વપૂર્ણ સમજૂતીઓ પર કેવી રીતે વિશ્વાસપૂર્વક કાર્ય કરી રહ્યાં છે.

આ એક સક્રિય પગલું છે, જેનાથી ૨.૮ અબજથી વધુ ચીની અને ભારતીય લોકોના મૈત્રીપૂર્ણ આદાનપ્રદાનને સરળ બનાવશે. તેમણે જણાવ્યું હતું કે ચીન ભારત સાથે મળીને દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોવા અને સંભાળવા માટે તૈયાર છે.

સારા પડોશી સંબંધોનો આનંદ માણતા મિત્રો બને છે અને એકબીજાને સફળ થવામાં મદદ કરતા ભાગીદાર બને છે તથા ડ્રેગન અને હાથી વચ્ચે તાલમેલ રહે તે જરૂરી છે.

તેનાથી એશિયા અને બીજા પ્રદેશોમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવામાં યોગ્ય યોગદાન આપી શકાય.અગાઉ બંને દેશો વચ્ચે એર ચાઇના જેવી ચીની એરલાઇન્સ ફ્લાઇટ્‌સ ચલાવતી હતી.

જોકે ચીનની કંપનીઓએ હજુ ઔપચારિક જાહેરાત કરી નથી. આ ગતિવિધિથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું કે ભારતીય એરલાઇન્સ ઇન્ડિગો અને ચાઇના ઇસ્ટર્ન બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્‌સ ફરી શરૂ કરનારી પ્રથમ બે એરલાઇન્સ હશે. ઇન્ડિગોએ તાજેતરના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ૨૬ ઓક્ટોબરથી કોલકાતાથી ગુઆંગઝુ સુધી દૈનિક ફ્લાઇટ્‌સ શરૂ કરવાની યોજના ધરાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.