Western Times News

Gujarati News

બિહાર મતદાર યાદીમાંથી બાકાત ૩.૬૬ લાખ મતદારોને મફત કાનૂની સેવા આપોઃ સુપ્રીમ

નવી દિલ્હી, બિહાર વિધાનસભા ચૂંટણીની અંતિમ મતદાર યાદીમાંથી બાકાત રખાયેલા ૩.૬૬ લાખ મતદારોને ચૂંટણી પંચમાં તેમની અરજીઓ દાખલ કરવા માટે મફત કાનૂની સેવા તેમજ પેરા-લીગલ સ્વયંસેવકો પૂરા પાડવા માટે બિહાર રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને સુપ્રીમ કોર્ટે વચગાળાનો નિર્દેશ આપ્યો છે.

સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું કે, બિહારમાં હાથ ધરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (એસઆઇઆર) કવાયત સામે રાજકીય પક્ષો ફરિયાદો કરશે તેવી અપેક્ષા હતી પરંતુ તેઓ સંતુષ્ટ જણાય છે.

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલા બાગચીની ખંડપીઠે વચગાળાના આદેશમાં જણાવ્યું કે, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પેરા-લીગલ સ્વયંસેવકોની યાદી જાહેર કરે જેમની મદદથી બાકાત મતદારો અરજી દાખલ કરી શકશે અને તેમના નામ બાકાત રાખવા અંગેના કારણ સાથેનો વિસ્તૃત ચુકાદો તેમને મળે તે સુનિશ્ચિત કરશે.

એસઆઇઆર પ્રક્રિયા બાદ અંતિમ મતદાર યાદીમાંથી બાકાત રખાયેલા મતદારોની અપીલનો નિર્ણય આગામી ૧૬ ઓક્ટોબરે ચૂંટણી પંચની પ્રક્રિયાને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન કરાશે. કોર્ટ ઈચ્છે છે કે દરેકને અરજી કરવાની યોગ્ય તક મળે અને આ માટે અરજદાર પાસે તેમનું નામ શા માટે બાકાત રખાયું છે તેનો વિસ્તૃત ચુકાદો હોવો જોઈએ.

આ માત્ર એક લીટીનો ગુપ્ત ચુકાદો ના હોવો જોઈએ. સુપ્રીમમાં સુનાવણીની શરૂઆતમાં ચૂંટણી પંચ વતી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ જણાવ્યું કે, અરજદાર એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સે, અંતિમ યાદીમાંથી નામ બાકાત રખાયાનો દાવો કરનાર એક વ્યક્તિની ખોટી ઓળખ આપી હતી.

એનજીઓ દ્વારા એફિડેવિટમાં જણાવાયેલા વ્યક્તિનું નામ ડ્રાફ્ટ યાદીમાં ન હતું અને તે કોઈ મહિલાની વિગતો હતી. ચૂંટણી સુપ્રીમે આ માટે બિહાર રાજ્ય કાનૂની સત્તામંડળને નિર્દેશ કરતા જણાવ્યું કે, બૂથ લેવલના અધિકારીઓ પાસેથી ડેટા મેળવીને તેઓ બાકાત રહી ગયેલા મતદારોને અરજી દાખલ કરવામાં મદદ કરે.

બિહારમાં વિધાનસભાની ચૂંટણી સુગમ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ ૮.૫ લાખ અધિકારીઓને તૈનાત કરશે. જેમાં ૨.૫ લાખ પોલીસ અધિકારીઓ રહેશે.

ચૂંટણી પંચના મતે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તૈનાત અધિકારીઓ પૈકી ૪.૫૩ લાખ મતદાન કર્મચારીઓ, ૨.૫ લાખ પોલીસ જવાનો, ૨૮,૩૭૦ મતગણતરી માટેના અધિકારીઓ, ૧૭,૮૭૫ માઇક્રો ઓબ્ઝર્વર, ૯,૬૨૫ સેક્ટર અધિકારીઓ તથા ૯૦,૭૧૨ આંગણવાડી સેવિકાઓ રહેશે. આંગણવાડી સેવિકાઓ બુરખો અને ઘૂંઘટમાં રહેલી મહિલા મતદારોની ઓળખ કરશે તેમ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.