રાજકોટમાં રૂ.૩૨ લાખની લૂંટનો પર્દાફાશ ટીઆરબી જવાન સહિત ૪ આરોપી ઝબ્બે

રાજકોટ, રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં થયેલી ૩૨ લાખની લૂંટનું પ્રકરણ પૂર્વયોજિત કાવતરું હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે ટીઆરબી (ટ્રાફિક વોર્ડન) જવાન શાહબાઝ મોટાણી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
લૂંટનો મુખ્ય સૂત્રધાર રૂપિયા આપવા આવેલો વિક્રમ નામનો શખ્સ હોવાનું ખુલ્યું છે, જેણે ટીઆરબી જવાન સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો.આ બનાવ અંગે શીતલ પાર્ક પાસે રહેતા સમીરભાઈ રશ્મીકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે તેઓ એગ્રીકલ્ચર પ્રોડક્ટનું કમિશનથી કામ કરે છે.
ગઈકાલે તેઓ કપાસની ગાંસડીની ખરીદી ન થતાં ભૂતખાના ચોક પાસેની એકતા એન્ટરપ્રાઈઝના શૈલેષ દલસાણીયાને આપેલા ¹ ૩૨ લાખ પરત લેવા માટે રેસકોર્સ લવ ગાર્ડન ખાતે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાની આસપાસ એક્ટિવા લઈને પહોંચ્યા હતા.
ત્યાં શૈલેષભાઈના કહેવા મુજબ, કિઆ કારમાં આવેલા એક વ્યક્તિ પાસેથી તેમણે રૂપિયાનો થેલો લીધો કે તરત જ સફેદ એક્સેસ પર બે વ્યક્તિ અને બાઈક પર અન્ય બે અજાણ્યા વ્યક્તિ ઘસી આવ્યા હતા.
એક્સેસ પર આવેલા એક વ્યક્તિએ પોલીસ તરીકેની ઓળખ આપી, ઝપાઝપી કરી, ગાળો બોલી, થપ્પડ મારી રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો.લૂંટ કરનાર શખ્સે ફરિયાદીને ધમકાવીને મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધા હતા.ફરિયાદીએ પોલીસ સ્ટેશને જવાની વાત કરતાં આ શખ્સ (શાહબાઝ મોટાણી) ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી એક કલાક સુધી ક્યાંય જવા દીધો નહોતો.
આ ઘટના બાદ આરોપી શાહબાઝ મોટાણી, ફરિયાદી સમીરભાઈને પોલીસ મથકે લઈ આવ્યો હતો અને ડી સ્ટાફના જવાનને જાણ કરી હતી. પીઆઈ વી.આર. વસાવાને આ અંગે જાણ થતાં તેમને શંકા ગઈ હતી. તેમણે રૂપિયાની વાત બાજુ પર રાખી આરોપીની આકરી પૂછપરછ કરી, જેમાં લૂંટનું આ પૂર્વઆયોજિત કાવતરું ખુલ્લું પડ્યું હતું. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી લૂંટ બાદ પોલીસ પાસે મેટર લઈ જઈ, સેટિંગ કરી રૂપિયા હજમ કરવાની હતી.
પોલીસે ટીઆરબી જવાન શાહબાઝ ઈસ્માઈલ મોટાણી (ઉં.વ.૨૯), દાનીશ ઈબ્રાહીમ શેખ (ઉં.વ.૨૦), અતીક દોસ્તમહમુદ સુમરા (ઉં.વ.૧૯) અને મહેશ ખોડાભાઈ વાઘેલા (ઉં.વ.૧૯)ની ધરપકડ કરી છે.SS1MS