કાલુપુર રેલવે બ્રિજ પરની વર્ષો જૂની તમામ જર્જરિત દુકાનો તોડી પડાશે

અમદાવાદ , શહેરનાં વર્ષાે જુના કાલુપુર બ્રિજ ઉપર પાકિસ્તાનથી આવેલાં વિસ્થાપિતોને બનાવી અપાયેલી દુકાનો પૈકી આઠ જેટલી દુકાન ધરાશાયી થઇ ગયાં બાદ મ્યુનિ.તંત્ર દ્વારા બાકીની તમામ જર્જરિત દુકાનો તોડી પાડવાનો નિર્ણય લીધો છે.
મ્યુનિ.નાં મધ્ય ઝોનનાં ડે.કમિશનર રમ્યકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાનનાં ભાગલા વખતે પાકિસ્તાનથી આવેલાં વિસ્થાપિતોને ધંધારોજગાર માટે કાલુપુર બ્રિજ ઉપર એક એક દુકાન ફાળવવામાં આવી હતી, નાની અને ભોંયતળીયાની લગભગ ૧૧૦ દુકાનો બનાવવામાં આવી હતી. જેમાં સમયાંતરે કેટલીક દુકાનમાં ગેરકાયદે બાંધકામો પણ થયાં હતા.
વર્ષાે અગાઉ સાવ નજીવા ભાડે અપાયેલી દુકાનોનાં ભાડા હજુ પણ જુના ભાડાકરાર મુજબ જ વસુલ કરાતાં હોવાનુ જાણવા મળ્યુ છે, આ જુની જર્જરિત બનેલી દુકાનો ખાલી કરાવવા વારંવાર રજૂઆતો થતી હતી, પરંતુ દુકાનદારો માનતા નહોતા.
દરમિયાનમાં કાલુપુર રેલ્વે સ્ટેશન રિડેવલપમેન્ટની કામગીરીનાં કારણે ધ્રુજારી અનુભવાતી હોવાથી આ દુકાનો ધરાશાયી થઇ ગઇ કે બીજા કોઇ કારણસર તેની તપાસ મધ્ય ઝોન એસ્ટેટ ખાતા દ્વારા કરવામાં આવનાર છે.
પરંતુ મહત્વની વાત એ છે કે, કાલુપુર બ્રિજ ઉપરની જર્જરિત દુકાનો ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિને ધ્યાને લઇ કોઇ જાનહાનિ સર્જાય નહિ તે માટે મ્યુનિ.તંત્ર દ્વારા તમામ દુકાન ખાલી કરાવીને જમીનદોસ્ત કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જોકે આ વેપારીઓ દુકાન ખાલી કરવા સામે વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરશે તે સ્વભાવિક છે. પરંતુ આ દુકાનો જે તે સમયે કયા વિસ્થાપિતને ફાળવાઇ હતી અને હાલ તેનો કબજો કોની પાસે છે તેની તપાસ કરવામાં આવે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં સમસ્યા સર્જાઇ શકે છે.SS1MS