દેશના આયાત નિકાસ તફાવતને ઓછો કરવા સૌએ સંકલ્પબદ્ધ થવું જોઈએ:- ઉદ્યોગમંત્રી

સેમિનારમાં ક્વોલિટી કાઉન્સિલ ઈન્ડિયા અને સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ વચ્ચે સ્કીલ ડેવલપમેન્ટ માટે એમઓયુ એક્સચેન્જ કરવામાં આવ્યા
મહેસાણાના ખેરવામાં ગણપત યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)ના બીજા દિવસે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ‘ક્વોલિટી એક્સેલન્સ – જર્ની ટુવર્ડ્સ વિકસિત ગુજરાત, વિકસિત ભારત‘ વિષય પર સેમિનાર યોજાયો હતો.
સેમિનારમાં વિવિધ ગુણવતા સંસ્થાઓના નિષ્ણાતોએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુણવત્તા યુક્ત ઉત્પાદનો, ગુણવત્તા માનકો, ગ્રાહક જાગૃતિ અને વિવિધ સંસ્થાઓની કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સેમિનાર ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્યમાં આ વર્ષે યોજાયેલી ગુણવત્તા યાત્રાના ઉપક્રમને બિરદાવ્યો હતો. મંત્રીશ્રીએ પ્રોડક્ટ ક્વોલિટીમાં વેલ્યુ એડિશનની જરૂરિયાત વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે દરેક ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો પર ગ્રાહકો ભરોસો કરે છે અને ઉચ્ચ ગુણવત્તા બદલ તેની કિંમત આપવા તૈયારી પણ દર્શાવે છે. મંત્રીશ્રીએ આ તકે દેશના આયાત નિકાસ તફાવતને ઓછો કરવા સૌને સંકલ્પબદ્ધ થવા તથા પોતાનાથી શક્ય બને તેટલું યોગદાન આપવા ઉપસ્થિત ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(QCI)ના શ્રી જગત પટેલે જણાવ્યું હતું કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વિવિધ સંસ્થાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કામ કરે છે. આ વર્ષે ગુણવત્તા યાત્રા દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગુણવત્તા પ્રત્યે સભાનતા કેળવીને લોકોને અને ઉદ્યોગોને ગુણવત્તા પ્રત્યે જાગૃત કરેલા. Z સર્ટિફિકેશનમાં આજે ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે એમ તેમણે ઉમેર્યું હતું.
ભારતીય માનક બ્યુરો(BIS), અમદાવાદના સંયુક્ત નિદેશક શ્રી ઈશાન ત્રિવેદીએ આ સેમિનારમાં ક્વોલિટી પ્રોડક્ટ સર્ટિફિકેશન વિશે વાત કરતા વિવિધ ગુણવત્તા માનકો અને તેના સર્ટિફિકેશન વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. તેમણે હોલમાર્ક, એગ્માર્ક, આઈએસઆઈ સહિતના ગુણવત્તા માનકો, ઉત્પાદનોના સર્ટિફિકેશનના ફાયદાઓ અને ભારતીય માનક બ્યુરો(BIS)ની કામગીરી અંગે પ્રકાશ પાડ્યો હતો.
એફએસએસઆઈ(FSSAI) મુંબઈના જોઇન્ટ ડાયરેક્ટર ર્ડા.રાજકુમારે ભારતીય ખાદ્ય ઉત્પાદન ઈન્ડસ્ટ્રીઝમાં ગુણવત્તાના પરિમાણો, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસણી, FSSAI સર્ટિફિકેશન અને FSSAI સુધી ફરિયાદ કેવી રીતે પહોંચાડવી સહિતની બાબતો પર વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.
સ્પાઇસીસ બોર્ડ કંડલાના વૈજ્ઞાનિક શ્રી સુધીશ પી. દ્વારા લોકલ પ્રોડક્ટ્સમાં ગુણવત્તા પરિમાણો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં હતું. તેમણે સ્પાઇસીસ બોર્ડ ઇન્ડિયાની કામગીરી અને તેની ગુજરાતમાં આવેલી સંસ્થાઓ તથા તેમની કામગીરી વિશે માહિતી પૂરી પાડી હતી.
એક્સપોર્ટ ઇન્સ્પેક્શન એજન્સીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી અનુપસિંગ સેંગરે ઉત્પાદનો અને ઉત્પાદન પ્રક્રિયાઓ અંગેના રેગ્યુલેશન, ઇન્સ્પેક્શન, ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન સહિતની બાબતો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સેમિનારમાં નિષ્ણાતોએ ઉપસ્થિતોએ રજૂ કરેલા ગુણવત્તા સંસ્થાઓ, ગુણવત્તા સંબંધિત કામગીરી અને અન્ય ગુણવત્તા માનકો અંગેના પ્રશ્નો અને તેમની મૂંઝવણો પ્રત્યે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારમાં ક્વોલિટી કાઉન્સિલ ઈન્ડિયા અને સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ વચ્ચે સ્કીલ ડેવલપમેન્ટ માટે એમઓયુ પણ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ શ્રીમતી મમતા વર્મા પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.