ટ્રમ્પ શાંતિ કરારો કરતાં રહેશે, યુદ્ધ રોકી લોકોના જીવ બચાવતા રહેશે: વ્હાઈટ હાઉસ

વ્હાઇટ હાઉસે પોસ્ટ કરી બળાપો ઠાલવ્યો-ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં અમેરિકા લાલઘૂમ!
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા તેઓ નારાજ થયા છે. તેઓ પોતે જ આ પુરસ્કાર માટે સૌથી મોટા દાવેદાર માની રહ્યા હતા. પરંતુ તેમના સ્થાને વેનેઝુએલાના વિપક્ષ નેતા મારિયા કોરિના મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થતાં વ્હાઇટ હાઉસે નારાજગી વ્યક્ત કરી છે.
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે, નોબેલ કમિટીએ ફરી એકવાર સાબિત કરી દીધુ કે, તેઓ શાંતિના સ્થાને રાજનીતિને પ્રાધાન્ય આપે છે. પણ અમેરિકાના પ્રમુખ શાંતિ કરારો કરાવતાં રહેશે, યુદ્ધ રોકી લોકોના જીવ બચાવતા રહેશે. વ્હાઇટ હાઉસે ઠ પર પોસ્ટ કરતાં કહ્યું કે, પ્રમુખ ટ્રમ્પ શાંતિ કરારો કરતાં રહેશે, તેઓ યુદ્ધ રોકી લોકોના જીવ બચાવતા રહેશે.
તેમનું હૃદય માનવતા અને દયાભાવ દાખવે છે. તેમના જેવું કોઈ નથી, જે પોતાની ઇચ્છાશક્તિના બળથી પર્વતોને પણ ખસેડી શકે છે. વ્હાઇટ હાઉસે નોબેલ કમિટીની ટીકા કરતાં કહ્યું કે, ‘તેઓએ શાંતિના બદલે રાજનીતિને પસંદ કરી. ફરી એકવાર તેમણે સાબિત કરી દીધું કે, તેઓ શાંતિના બદલે રાજનીતિને પ્રાધાન્ય આપે છે.’
ઉલ્લેખનીય છે, વેનેઝુએલાના વિપક્ષ નેતા મારિયા કોરિના મચાડોને લોકતંત્રમાં પારદર્શિતા અને માનવ અધિકારો માટે અથાગ પ્રયાસો બદલ નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
નોર્વેજિયન નોબેલ સમિતિએ તેમના કાર્યને અસાધારણ ગણાવીને તેમને સત્તાવાદી શાસન વિરુદ્ધ અહિંસક પ્રતિકારના પ્રતીક માન્યા છે. આ વિજય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અન્ય ઉમેદવારોને પાછળ છોડીને મળ્યો છે, જે વેનેઝુએલાના લોકશાહી આંદોલનને વૈશ્વિક સ્તરે મજબૂતી આપે છે. મારિયાને ‘વેનેઝુએલાના આયર્ન લેડી’ તરીકે ઓળખવામાં આવે છે, તેમનું જીવન સ્વતંત્રતા અને ન્યાયની લડતનું જીવંત પ્રતિબિંબ છે.