મહિલા કોન્સ્ટેબલે પ્રેમભરી વાતચીત કરીને રીઢા ચોરને રિવરફ્રન્ટ ખાતે મળવા બોલાવ્યો અને….

AI Image
લૂંટ, મારામારી, ખંડણી, જેલમાં થી નાસી જવા સહીતના ગંભીર ગુનાઓને અંજામ આપી ચુકેલા ખુંખાર ફરાર આરોપી- 14 ગુનાઓમાં વોન્ટેડ રિઢા ચોરને દાણીલીમડા મહિલા પોલીસે દબોચી લીધો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં આવેલા દાણીલીમડા સહિતના વિસ્તારોમાં સેંકડો ગુના આચરીને નાસતા ફરતા અને હાથતાળી આપી ચૂકેલા રીઢા ગુનેગાર તૌફીકને આજે પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી તૌફિકે વર્ષ-૨૦૧૪થી ગુનાની દુનિયામાં પગ મુકતાની સાથે જ ક્યારેય અટક્યો નહી
અને છેલ્લે દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં મારમારી સહીતનો ગુનો આચરતાની સાથે જ તેની ગુનાહિત દુનિયાનો અંત આવવાની શરૂઆત થઇ હતી. ૧૫ જૂનના રોજ મારામારીનો ગુનો દાણીલીમડા પોલીસ મથકે નોંધાયો ત્યારથી આરોપી પોલીસને હાથતાળી આપતો ફરતો હતો. અને બાદમાં ઈન્સ્પેકટર હસમુખ પટેલે આરોપીને દબોચવા પ્લાન ઘડયો
અને છેલ્લા એક મહિનાથી આરોપી સાથે પોલીસ સ્ટેશનની જ મહિલા કોન્સ્ટેબલે પ્રેમભરી વાતચીત કરીને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળવા બોલાવ્યો અને આરોપી દાણીલીમડા પોલીસની ગિરફતમાં આવી ગયો છે. ભલભલા હિન્દી ફિલ્મોના પ્લોટને પણ ટક્કર મારે તેવી રીતે દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસે ૧૪ ગુના આચરી ચુકેલા રીઢા આરોપીને દબોચી લીધો છે.
લૂંટ, મારામારી, ખંડણી, જેલમાં થી નાસી જવા સહીતના ગંભીર ગુનાઓને અંજામ આપી ચુકેલા ખુંખાર ફરાર આરોપીને દાણીલીમડા પોલીસ ઈન્સ્પેકટર હસમુખ પટેલની સૂચના અને પ્લાનિંગના આધારે પોલીસ સ્ટેશનમા સર્વેલન્સ સ્કવોડમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ આરોપીનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો હતો.અને તેની સાથે પ્રેમભરી વાતો કરીને મિત્રતા કેળવી હતી.
બાદમાં મહિલા પોલીસે આરોપી રીવરફ્રન્ટ મળવા માટે બોલાવ્યો હતો. ત્યારે આ મહિલા પોલીસ વિરાંગનાઓએ મુસ્લિમ વેશ ધારણ કરીને રીઢા આરોપીને મળવા માટે પહોંચી ગઈ હતી. પોલીસ ઈન્સ્પેકટર હસમુખ પટેલના પ્લાન મુજબ રીવરફ્રન્ટ પર અગાઉથી કેટલાક પોલીસકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા હતા. જેમાં ઘણાખરા પોલીસકર્મી ટુરિસ્ટ બનીને ઉભા હતા.
તો કેટલાંક રિવરફ્રન્ટ પર નાસ્તાની રેકડી લઈને ઉભેલા વેપારીને જોડે ગ્રાહક બનીને ઉભેલા હતા. આરોપી તૌફીકને મળવા ગયેલ મહિલા પોલીસે આરોપી જોડે વાતચીત કરી અને બાદમાં આરોપીએ મહિલા પોલીસને એકટીવા પર બેસી જવાનું કહ્યું એટલે પોલીસકર્મી આરોપીના એક્ટિવા પર બેસી ગઈ અને ચાલાકી વાપરીને અન્ય પોલીસકર્મીને ઈશારો કરતા રિવરફ્રન્ટ પર હાજર અન્ય પોલીસકર્મીએ આરોપી તૌફીકને કોર્ડન કરીને દબોચી લીધો હતો.