ભરૂચ LCBએ અંકલેશ્વરમાં ડબ્બા ટ્રેડિંગ તથા જુગારની અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજી ઝડપી પાડી

૯ કરોડથી વધુનો ગેરકાયદેસર શેર સોદો અને ૩૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ “સોના આઈસ ઈન્ડસ્ટ્રીઝ”ની ઓફિસમાં છાપો મારી શેર બજારના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ તથા જુગારની અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજીનો પર્દાફાશ ૫ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ “સોના આઈસ ઈન્ડસ્ટ્રીઝ”ની ઓફિસમાં છાપો મારી શેર બજારના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ તથા જુગારની અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજીનો પર્દાફાશ કર્યો છે.જેમાં પોલીસે ૫ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે ૫ જેટલા આરોપી ફરાર છે.પકડાયેલા આરોપીઓની પાસેથી રૂ.૩૦,૩૮,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસની જુગારની રેઈડ દરમ્યાન પકડાયેલ આરોપીઓમાં (૧) અલ્તાફ હુસેન ઘોઘારી (રહે.મકાન નં. બી/૩૧૧, ચીકુવાડી, અંકલેશ્વર) (૨) આદમ હુસેન ઘોઘારી (રહે. મકાન નં. ડી/૨, ચીકુવાડી, અંકલેશ્વર) (૩) સાજીદ હુસેન ઘોઘારી (રહે. મકાન નં. ૨૫-૨૬, ચીકુવાડી,અંકલેશ્વર) (૪) રમેશ મગન જસાણી (રહે.સુંદરવન એપાર્ટમેન્ટ,હવેલી ચોક,અંકલેશ્વર) (૫) ચંદ્રસિંહ આનંદસિંહ રાવત (રહે.જલદર્શન સોસાયટી,નવી કોલોની, અંકલેશ્વર) નો સમાવેશ થાય છે.જયારે અલ્પેશ,જીએમ જામનગર, અલ્ફેઝ ઉર્ફે રાજા,જી ધામ, ગૌરાંગ નામના શખ્સોનો ફરાર થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અલ્તાફ ઘોઘારી પોતાના કબજાની ઓફિસમાં લોકો પાસેથી રોકડા રૂપિયા લઈને અલગ-અલગ રંગના ટોકન આપીને પત્તા-પાનાનો જુગાર રમાડતા, તેમજ “મની કંટ્રોલ” અને “બેટવર ૭૭” જેવી ઓનલાઈન એપ્લિકેશનો મારફતે ડબ્બા ટ્રેડિંગ દ્વારા ગેરકાયદેસર શેર સોદા ચલાવતો હતો.
તપાસમાં જાણવા મળ્યુ હતું કે આરોપીએ રૂ. ૯,૦૯,૦૦,૭૯૧ જેટલી શેર રકમના ગેરકાયદેસર સોદા કરીને સરકારને ટેક્સમાં છેતરપીંડી કરી વિશ્વાસઘાત અને આર્થિક ગુનો અંજામ આપ્યો હતો.પોલીસ દ્વારા કબ્જે કરાયેલ મુદ્દામાલમાં રોકડા રૂપિયા રૂ.૧,૬૮,૪૫૦, મોબાઈલ ફોન ૧૦ નંગ કી.રૂ.૩,૨૦,૦૦૦, ૩ ફોર વ્હીલર અને ૧ ટુ વ્હીલર કી.રૂ.૨૫,૫૦,૦૦૦ નો સમાવેશ થાય છે.
પોલીસે અલ્તાફના મોબાઈલ માંથી પીડીએફ ફાઈલો અને સ્ક્રીનશોટ પ્રિન્ટ નંગ ૧૭૪ મળી કુલ રૂ. ૩૦,૩૮,૪૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે જુગાર ધારા કલમ-૬, તથા સેબી નિયમોનો ભંગ, છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
ફરાર આરોપીઓને ઝડપવા માટે પોલીસ તજવીજ હાથધરી હતી.તો આ કેસ માત્ર જુગાર જ નહીં પરંતુ શેરબજારના ડબ્બા ટ્રેડીંગના નેટવર્કનો પણ ભાંડાફોડ ગણાય છે જે અંકલેશ્વર વિસ્તારમા મોટી ચર્ચાનો વિષય બન્યો છે.