Western Times News

Gujarati News

સુરત BJP: દિનેશ સાવલિયાએ બપોરે ચા-નાસ્તો કર્યો, સાંજે લાફો માર્યોઃ શૈલેષ જરીવાલા

સુરતમાં ભાજપ કાર્યાલય પર ખજાનચી સાથે લાફાવાળી કરનાર કાર્યકર્તા સામે ગુનો દાખલ

સુરત, સુરત મહાનગર ભાજપ સંગઠનના ઉધના સ્થિત મુખ્ય કાર્યાલય પર ખજાનચી અને કાર્યકર્તા વચ્ચે છૂટાહાથની થયેલી મારામારીનો મામલો બરાબર ગાજ્યો છે. સુરત સહિત રાજ્યભરમાં લાફાવાળી પ્રકરણના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

એવામાં શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યાલય પર થયેલી ધાંધલ ધમાલનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પ્રકરણમાં ખજાનચી શૈલેષ જરીવાલાએ કાર્યકર્તા દિનેશ સાવલીયા સામે લાફાવાળી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધ્યો છે.

બુધવારે ભાજપ કાર્યાલય પર ખજાનચી અને કાર્યકર્તા વચ્ચે થયેલી ઝપાઝપીમાં ખજાનચી શૈલેષ જરીવાલા અને વોર્ડ નં.રના કાર્યકર્તા, વરાછામાં રહેતા દિનેશ સાવલિયા બન્નેને પક્ષ પ્રમુખે નોટિસ ફટકારી છે. બીજી બાજુએ ગુરૂવારે બીજા દિવસે મામલે ખજાનચીએ કાર્યકર્તા વિરૂદ્ધ ઉધના પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવી છે.

ખજાનચીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ગુરૂવારે સાંજે ૬ઃ૩૦ વાગ્યાના સુમારે ઉધના સ્થિત ભાજપ કાર્યાલયમાં દિનેશ સાવલિયા અન્ય કાર્યકર્તા સાથે વાદ વિવાદ કરતા હોય શૈલેષ જરીવાલા સમજાવવા ગયા હતા.

તે વેળાએ દિનેશ સાવલિયાએ ઉગ્ર થઈને ગાળો ભાંડી હતી. ધક્કો મારી એક લાફો મારી દીધો હતો. તેમજ ખુરશી લઈને મારવા દોડયો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

વધુમાં બુધવારે બપોરે ૧રઃ૩૦ વાગ્યાના સુમારે કાર્યાલયમાં ખજાનચીની ઓફિસમાં બેસીને જ દિનેશ સાવલિયા અને તેના મિત્રએ ચા-નાસ્તો કર્યો હતો જ્યારે સાંજના સુમારે કાર્યાલય મંત્રી શૈલેષ પટેલ સાથે રકઝક અને પટાવાળા ભાઈ સાથે એલફેલ બોલી મગજમારી કરી હતી ત્યારબાદ શૈલેષ જરીવાલા સમજાવવા જતાં પહેલાં રકઝક અને પછી ગાળાગાળી, હાથાપાઈ શરૂ કરી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.