Western Times News

Gujarati News

BJP પ્રમુખની નવી પહેલઃ સ્વાગતમાં ફૂલહારને બદલે પુસ્તકો, ચોપડા સ્વીકારશે

ભાજપ પ્રમુખ આ પુસ્તકો જરૂરતમંદ બાળકોને વિતરીત કરશે

(એજન્સી)ગાંધીનગર, ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પદભાર સંભાળતા સાથે જ પક્ષના સંગઠનને સક્રિય કરવા માટે શુક્રવારથી એક સપ્તાહ માટે રાજ્યભરનો પ્રવાસ ખેડવાનો નિર્ણય કર્યો છે.

એની સાથોસાથ નવા પ્રમુખે એવો પણ નિર્ણય કર્યો છે કે તેમના સ્વાગત માટે ફૂલહાર, બુકે કે મોમેન્ટોના સ્થાને વિદ્યાભ્યાસના ચોપડા, પુસ્તકો, બુક્સ સ્વીકારશે. આ ચોપડા પુસ્તકો જરૂરિયાતમંદ બાળકો, વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.

પ્રમુખપદે સી.આર.પાટીલે જાહેરમાં કહ્યું હતું કે, તેઓ સ્વાગતમાં ફૂલનો હાર સ્વીકારશે નહીં. કેમ કે એમાં હાર શબ્દ આવતો હતો. તેઓ માનતા કે તેમનો જન્મ જીતવા માટે જ થયો છે.

તેઓ પ્રમુખ ર્હયા એ પાંચ વર્ષ કરતાં વધુ સમયગાળામાં ભાજપે પંચાયતથી પાર્લામેન્ટ સુધી તેમજ સહકારી સંસ્થાઓની ચૂંટણીઓમાં વિક્રમી વિજયના બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. આગામી ર૦ર૬ના પ્રથમ બે માસમાં જ મીની વિધાનસભા સમાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનાર છે.

એમાં ભાજપના વિજય માટે અત્યારથી જ સંગઠનને સક્રિયા કરવાના હેતુથી પ્રમુખ વિશ્વકર્મા જિલ્લા પ્રવાસ કરનાર છે. ૧૦થી ૧૭ ઓકટોબર દરમિયાન તેઓ રાજ્યભરમાં છ મહાસંમેલનો સંબોધશે.૧૦મીએ અંબાજી ખાતે મા અંબાજીના દર્શન-પૂજન-અર્ચન કરી તેઓ પ્રારંભ કરશે.

સપ્તાહ દરમિયાન તેઓ પ્રવાસમાં અનેક ધાર્મિક સ્થાનોની મુલાકાત લેશે. શુક્રવારે સવારે અંબાજી માતાજીના મંદિર દર્શન કરી પાલનપુર ખાતે કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા આગેવાનો સાથે ભોજન લઈ સિદ્ધપુર જવા રવાના થશે. સિદ્ધપુર, મહેસાણાથી કલોલ સુધી યાત્રા દરમિયાન આવતા અનેક ગામોમાં કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલશે.

મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે ઉમિયા માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે બજારની દુકાનોમાં જીએસટીમાં રાહતને અનુલક્ષીને સ્ટીકર ચોંટાડવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧રમીએ તાપી-સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓના મહાસંમેલનને સંબોધશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.