ACPના આદેશ પર પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચવાની ભૂલ કોન્સ્ટેબલને ભારે પડી

થોડા સમય પહેલા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીરને માર મારવાનો વીડિયો વાયરલ થયો-કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરને સસ્પેન્ડ કર્યા બાદ હવે ધરપકડ
રાજકોટ, રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપીને તાલિબાની સજાનો મામલે કોન્ટેબલ પ્રદીપ ડાંગરને સસ્પેન્ડ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. જો કે પૂછપરછમાં અજાણતા સગીરનો વીડિયો ઉતાર્યાંનું કોન્સ્ટેબલે રટણ કર્યું. આ કેસમાં અગાઉ સફાઈ કામદાર શૈલેષ ડાંગરની પોલીસે ધરપકડ કરી હતી. હવે પોલીસ કોન્ટેબલ પ્રદીપ ડાંગરની પણ ધરપકડ કરાઈ છે.
થોડા સમય પહેલા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીરને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તાલિબાની સજા આપવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલમાં વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે સગીર બાળક, પરિવાર અને સમાજના આગેવાનો સાથે પોલીસ કમીશ્નરને મળવા પહોંચ્યો હતો.
વાયરલ વીડિયો અને સગીરને અપાયેલ તાલિબાની સજા મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી. આ બાદ પોલીસે કહ્યું કે, વાળ ખેંચનાર સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. વીડિયો બનાવનાર સામે અને વાળ ખેંચનાર સામે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવશે તેવી બાહેંધરી પોલીસે આપી હતી. સગીર આરોપીના જીવતા વાળ ખેંચી તાલિબાની સજા આપવાનો મામલે સગીર આરોપીએ પોલીસ વિરુદ્ધ કરેલ ફરિયાદમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
સગીરે કહ્યું કે, એસીપી રાધિકા ભારાઈએ આપ્યો આદેશ. જે હેરસ્ટાઇલ કરીને આવ્યો તેને ખેંચીને કાઢો. તાલિબાની સજા આપનાર પોલીસે કહ્યું કે, અમારી એસીપીનો આદેશ છે, તને મારવો પડશે જ. ઉલ્લેખનીય છે કે, એક મહિના પછી વીડિયો વાયરલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા
અને તાત્કાલિક અસરથી પ્રદીપ ડાંગરની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી સસ્પેન્શનની કાર્યવાહી પણ પોલીસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ મામલે થયેલી ફરિયાદમાં એસીપી, પીઆઈ, પીએસઆઈથી લઇ કોન્સ્ટેબલ સહિતનો ઉલ્લેખ કરાયો છે. પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, રાજ્યનાં ગૃહમંત્રી સહિતને ફરિયાદ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલામાં પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા જેમાં પ્રાથમિક તપાસમાં બે કોન્સ્ટેબલની બદલી કરાઈ હતી. પ્રદિપ ડાંગરની હેડ ક્વાર્ટરમાં અને સહદેવસિંહ જાડેજા નામના કોન્સટેબલની ટ્રાફિક શાખામાં બદલી કરાઈ હતી. પરંતું હવે પ્રદીપ ડાંગરની ધરપકડ કરવામાં આવી છે.