Western Times News

Gujarati News

સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસોનું ભાડું 700 થી વધુ 1400 થયું

પ્રતિકાત્મક

સૌરાષ્ટ્ર તરફ જતી બસોના ભાડામાં અસહ્ય વધારો -સાતસો રૂપિયાનું બસ ભાડુ તહેવારોના દિવસોમાં સીધુ જ બેરોકટોક ૧૪૦૦ રૂપિયા સુધી પહોંચી ગયું છે

સુરત, આગામી સમયમાં દિવાળીનો તહેવાર શરૂ થશે. ત્યારે તહેવારની સિઝનમાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરતાં હોય છે. જેથી મુસાફરોને સરળ મુસાફરી માટે એસટી નિગમ દ્વારા આ વખતે દિવાળીના દિવસોમાં દૈનિક એકસ્ટ્રા ૨૬૦૦થી વધુ એસટી બસો દોડાવવામાં આવશે.

બીજી તરફ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસોના ભાડામાં બેફામ વધારો થયો છે. મુસાફરોએ બસ ભાડા પર લગામ કસવા માગ કરી છે.

દિવાળીના તહેવારમાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરતાં હોય છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા શહેરોમાંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોની સંખ્યા વધુ હોય છે. ત્યારે દિવાળીમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી બસોના ભાડામાં અસહ્ય વધારો થયો છે. સાતસો રૂપિયાનું બસ ભાડુ તહેવારોના દિવસોમાં સીધુ જ બેરોકટોક ૧૪૦૦ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

સુરતથી રોજ ૩૦૦ જેટલી બસો સૌરાષ્ટ્ર તરફ દોડે છે.ખાનગી બસોના માલિકોનું કહેવું છે કે, હાલમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે તેની સાથે ટેક્સ પણ વધ્યો છે.

ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં એક જ તરફનું ભાડુ મળે છે. બે બાજુનું ભાડુ મળતુ નથી જેથી ભાડા વધ્યા છે. ઈંધણ અને ટેક્સમાં થયેલો ભાવ વધારો બસ સંચાલકોને પોસાય તેમ નથી. સુરતના ડાયમંડ વર્કરો દ્વારા કલેક્ટરને પત્ર પાઠવી ભાડા પર લગામ કસવા માગ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.