ગુજરાતનું ડેરી મોડલ સમગ્ર દેશ માટે રોલ મોડલ

મહિલાઓની ભાગીદારી, સહકાર, ઇનોવેશનથી ડેરી ઉદ્યોગમાં નવો યુગ:- સચિવશ્રી સંદીપ કુમાર
ગુજરાત ભારતનું ડેરી પાવરહાઉસ: સહકારી મોડલ અને તેની યાત્રા પર GCMMFના MDશ્રી જયેન મહેતાનું વક્તવ્ય
મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સીટી, ખેરવા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના બીજા દિવસે કૃષિ વિભાગ દ્વારા ટેક્નોલોજી, ટકાઉ ઇકોસિસ્ટમ અને ઉદ્યોગ સાહસિક નવીનતા દ્વારા ડેરી સંપત્તિનું સશક્તિકરણ વિષય પર સેમિનારનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે રાજ્યના સહકાર અને પશુપાલન સચિવ શ્રી સંદીપ કુમારે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ઇનોવેશન, સ્થિરતા અને ઉદ્યોગ સાહસિકતા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવી છે. દૂધ ઉત્પાદન ગ્રોસ વેલ્યુ એડિશન વધારવા માટે દેશમાં ગુજરાતની ભાગીદારી સૌથી વધારે મહત્ત્વની છે. ગુજરાતનું ડેરી મોડલ આજે સમગ્ર દેશમાં રોલ મોડલ બન્યું છે. સહકાર વિભાગ દ્વારા ગ્રામ્ય લેવલે સહકારિતા અંગે વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
સચિવશ્રી સંદીપકુમારે જણાવ્યું કે, દેશ આજે અમૂલ કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મોડેલને પણ અપનાવી રહ્યો છે. આવનાર પાંચ વર્ષમાં રાજ્યના ગ્રામિણ ક્ષેત્રોમાં ૨ લાખથી પણ વધુ પેક્સ ઊભા કરાશે. ગુજરાતના પશુપાલનમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધુ છે ત્યારે ઘરઆંગણે વિવિધ પ્રોડક્ટનું વેલ્યુ એડીશન કરીને મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરવું જોઈએ. આજે બનાસ ડેરી સાથે સંકળાયેલ પશુપાલક મહિલાઓ વાર્ષિક ૧ કરોડથી વધુનું ટર્ન ઓવર કરીને આત્મનિર્ભર બની છે. તેમણે ક્લાયમેન્ટ ચેન્જ સાથે ઋતુઓના બદલાવ વખતે પશુઓ અને દૂધ પર પડતી અસરોને કેવી રીતે નિવારી શકાય છે તેના વિશે વાત કરી હતી.
આણંદ GCMMFના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયેન મહેતાએ ગુજરાત- ભારતનું ડેરી પાવરહાઉસ: સહકારી મોડલ અને તેની યાત્રા વિષય પર વાત કરતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫ ને ઇન્ટરનેશનલ સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે સૌકોઈ સાથે મળીને સહકારિતાને મજબૂત બનાવીએ. તેમણે અમૂલ વિશે વાત કરતા કહ્યું કે,
વર્ષ ૧૯૪૬માં આણંદ ખાતે ફક્ત રોજનું ૨૫૦ લીટર દૂધ પ્રાપ્ત થતું હતું જ્યારે આજે ૩૫૦ લાખ લીટર દૂધ સુધી પહોંચી શક્યા છીએ. આજે ગુજરાતના ડેરી ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ૯૦ હજાર કરોડ સુધી પહોંચ્યું છે. આજે અમૂલ વિવિધ પ્રોડક્ટના ૨૪ બિલિયન જેટલાં પેકેટ વૈશ્વિક બજારમાં મૂકે છે. આ તમામ વ્યવસાયો થકી ખેડૂતો અને પશુપાલકોને ફાયદો મળી રહ્યો છે. તેમણે પ્રોડક્શન, પ્રોસેસિંગ અને માર્કેટિંગ પર વિશેષ ભાર મૂકવા જણાવ્યું હતું. આજે વૈશ્વિક બજારમાં ભારતના ડેરી ઉદ્યોગનો ૨૫ ટકા હિસ્સો છે ત્યારે આગામી સમયમાં વિશ્વના દરેક ડાઇનિંગ ટેબલ પર ભારતની પ્રોડક્ટ હોય તે મુજબ સૌકોઈ સાથે મળીને કામ કરવું જોઇએ.
ઉદ્યોગ સાહસિકતા અને શિક્ષણ વિભાગ અમદાવાદના ડિરેક્ટર શ્રી સત્યરંજન આચાર્યએ મહિલાઓ અને યુવાનોમાં ડેરી વેલ્યુ ચેઇન અને ઉદ્યોગ સાહસિકતા વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે બનાસ ડેરીના એ.જી.એમ ર્ડા. પી.આર.વાઘેલાએ બનાસ ડેરીની સફળતા વિશે વાત કરી હતી. તેમણે ટ્રેનિંગ, યોજનાઓ, મહિલાઓની ભાગીદારી, બનાસ ડેરીના મોલ અને વ્યવસાયો વિશે સવિસ્તાર માહિતી આપી હતી.
NDDB આણંદના એનિમલ ન્યુટ્રીશન ગ્રુપના વૈજ્ઞાનિક શ્રી ભૂપેન્દ્ર ટી. ફોન્ડબા દ્વારા ક્લાઈમેટ રેઝિલિઅન્ટ ડેરી ફાર્મિંગ, પાણીની અછત અને ગરમીનો સામના કરવા વિષય પર વક્તવ્ય આપ્યું હતું. સરહદ ડેરી, કચ્છના આસિસ્ટન્ટ મેનેજર શ્રી જય ચૌધરીએ કેમલ મિલ્ક પર પ્રેઝન્ટેશન આપીને માહિતી આપી હતી. આ સેમિનારમાં ઉદ્યોગકારો, પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.