“ગુજરાતની અર્થવ્યવસ્થાને 280Bn $ (FY2023) ના કદથી વધારીને 3.5 ટ્રિલિયન $ સુધી પહોંચાડવાનું લક્ષ્ય”

ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે, નવા રોકાણકારો આવશે અને લોકોનું જીવન ધોરણ પણ સુધરશે:- નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાતના આર્થિક વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલા આર્થિક માસ્ટર પ્લાન અંગે સેમિનાર યોજાયો
ઉત્તર ગુજરાતના મહેસાણાની ખેરવા ખાતે ગણપત યુનિવર્સિટીના પરિસરમાં આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ‘ના બીજા દિવસે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાતના આર્થિક વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલા આર્થિક માસ્ટર પ્લાન અંગે સેમિનાર તેમજ પેનલ ડિસ્કશન આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ માસ્ટર પ્લાન ગુજરાતના ૩૩ જિલ્લામાં સંતુલિત પ્રાદેશિક વિકાસ દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થાને વર્તમાન ૨૮૦ બિલિયન ડૉલર (નાણાકીય વર્ષ ૨૦૨૩) ના કદથી વધારીને ૩.૫ ટ્રિલિયન ડૉલરથી વધુ સુધી પહોંચાડવાના મહત્ત્વકાંક્ષી લક્ષ્યને સિદ્ધ કરવાનો રોડમેપ છે, જેમાં ઉત્તર ગુજરાતની પણ મહત્ત્વની ભૂમિકા રહેવાની છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ માસ્ટર પ્લાન થકી ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે, નવા રોકાણકારો આવશે અને લોકોનું જીવન ધોરણ પણ સુધરશે. એટલું જ નહીં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારત બનાવવાનું જે સ્વપ્ન જોયું છે, એમાં આ માસ્ટર પ્લાન ખુબ ઉપયોગી સાબિત થશે.
GRITના એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન તેમજ સીઈઓ શ્રીમતી એસ. અપર્ણાએ કહ્યું કે, ગુજરાતના ઐતિહાસિક અને આર્થિક દ્રષ્ટિકોણથી મહત્ત્વના છ મુખ્ય આર્થિક પ્રદેશો માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયા છે. આ પ્રદેશોમાં ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કોસ્ટલ સૌરાષ્ટ્ર અને સુરતનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે રાજ્યના છ મુખ્ય આર્થિક પ્રદેશો માટે તૈયાર કરાયેલા પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન (રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન) નું અનાવરણ કરવામાં આવ્યું હતુ.
ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાન્ટ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ગુજરાતને આવરી લઈને તૈયાર કરવામાં આવેલો આ માસ્ટર પ્લાનમાં અંદાજિત રૂપિયા ૨૩ થી ૨૪ લાખ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. આ રોકાણમાં રૂપિયા સવા પાંચ લાખ કરોડનું રાજ્ય સરકાર તરફથી મૂડીરોકાણ કરવામાં આવશે, જ્યારે અન્ય મૂડીરોકાણ ખાનગી કંપનીઓ, સંસ્થાઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલમાંથી લાવવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં આ પ્લાન થકી ૧૨ મિલિયન નવી રોજગારીની તકો પણ ઊભી થશે.
આમ, આ પ્લાન થકી ઉત્તર ગુજરાતના આર્થિક પ્રગતિને વેગ મળશે. આ ઉપરાંત મૂડી રોકાણ માટેના અનેક અવસરો પ્રાપ્ત થશે, રોજગારીની તકો ઊભી થશે અને ક્વોલિટી લાઈફ પણ સુધરશે એમ તેમણે જણાવ્યું હતું.
આ અવસરે નીતિ આયોગના પ્રિન્સિપલ ઇકોનોમી એડવાઈઝર શ્રીમતી અન્ના રોયે ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને લઈને તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાનની સહારાના કરી હતી તેમજ રાજ્ય સરકાર તેમજ GRITના કાર્યોની પ્રશંસા કરીને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ પ્રસંગે સેક્રેટરી પ્લાનિંગ શ્રીમતી આગ્રા અગ્રવાલ તેમજ GRITના શ્રીમતી શ્રુતિ ચરણ, ઉદ્યોગપતિઓ તેમજ રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક વૃદ્ધિનો લાભ યુવાનોને મળે તે સુનિશ્ચિત કરવા માટે, દરેક પ્રદેશમાં ઉદ્યોગના સહયોગથી રિજનલ સ્કિલિંગ સેન્ટર્સ અને સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (ગ્રીન સ્કિલ્સ, બ્લુ ઇકોનોમી, લોજિસ્ટિક્સ, AI એકેડેમી વગેરે) સ્થાપિત કરાશે. આ યોજનાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યના યુવાનો માટે અંદાજિત ૨૮૦ લાખ નવા રોજગારીના અવસરો ઉપલબ્ધ થશે. આમ, આ પ્રાદેશિક માસ્ટર પ્લાન્સ દરેક ક્ષેત્રની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને અનુરૂપ, ફ્યુચરિસ્ટિક સેક્ટરને લક્ષ્ય બનાવશે.