જાપાનમાં ફ્લુનો કહેર, ૪૦૦૦ દર્દીઓ નોંધાતા દેશવ્યાપી મહામારી જાહેર

નવી દિલ્હી, જાપાનમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફલુની સિઝન પાંચ અઠવાડિયાં વહેલી શરૂ થઇ જતાં દેશમાં ચાર હજાર કરતાં વધારે ફલુના દર્દીઓ એક જ અઠવાડિયામાં નોંધાતાં સરકારે ફલુને દેશવ્યાપી મહામારી જાહેર કરી હતી.
બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતાં અઠવાડિયામાં ૪૦૩૦ ફલુના દર્દીઓની સારવાર દવાખાનાઓમાં કરવામાં આવી હતી. આગલા સપ્તાહની સરખામણીમાં ૯૫૭ ફલુના કેસ વધારે નોંધાયા હતા.
આ મહામારીને કારણે ૧૩૫ જેટલી શાળાઓને બંધ કરી દેવામાં આવી હતી.બીજી તરફ હેલ્થ સાયન્સીઝ યુનિવર્સિટી ઓફ હોક્કાઇડોના પ્રોફેસર યોકો ત્સુકામોટોએ જણાવ્યું હતું કે દુનિયામાં જળવાયુપરિવર્તનને કારણે હવામાનમાં થઇ રહેલાં ફેરફારોના પરિણામે હવે ફલુની સિઝન કાયમી બની રહી છે.
દુનિયામાં વિમાન પ્રવાસ સરળ બની રહ્યો હોઇ તેના કારણે આ પ્રકારની ચેપી બિમારી ઝડપથી ફેલાય છે. વળી આ રોગના વાઇરસ તેની પરંપરાગત સારવારો સામે પ્રતિકાર વિક્સિત કરી ચૂક્યા હોઇ તેની સારવાર પણ પ્રમાણમાં લાંબી ચાલે છે. સાઉથ ચાઇના મો‹નગ પોસ્ટના અહેવાલમાં જણાવ્યા અનુસાર યામાગાટા પ્રિફેકચરમાં ૩૬માંથી ૨૨ વિદ્યાર્થીઓને ફલુ થઇ જતાં એક પ્રાથમિક શાળાને બંધ કરી દેવી પડી હતી.સરકારે લોકોને ફલુની બિમારી સામે સાવધ રહેવા અને જરૂરી રસી સમયસર લઇ લેવાની તાકીદ કરી હતી.
લોકોએ શેરીઓમાં માસ્ક પહેરીને ફરવાની શરૂઆત કરી નાંખી હતી. ગયા વર્ષે ડિસેમ્બર ૨૦૨૪ ના છેલ્લા અઠવાડિયામાં પણ ફલુના ૩૧૭૦૦૦ કેસો નોંધાયા હતા. હોલીડે સિઝન દરમ્યાન પ્રવાસનું પ્રમાણ વધતાં ફલુનો ચેપ વધારે ફેલાયો હતો.
મોટાપાયે ફલુ ફેલાતાં આરોગ્ય તંત્ર પણ કથળી ગયું હતું અને ટેમી ફલુ નામની દવા પણ ખલાસ થઇ ગઇ હતી. એવિઅન ફલુનો ચેપ કાબૂ બહાર જતો રહેતાં જાપાનમાં જાન્યુઆરી ૨૦૨૫ માં ૫૦ લાખ પંખીઓને મારી નાંખવામાં આવ્યા હતા.SS1MS