Western Times News

Gujarati News

ફટાકડા પરનો સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારુ નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, દિવાળીના ઉત્સવો પહેલા ફટાકડા ફોડવા પરના સંપૂર્ણ પ્રતિબંધને હળવો કરવાનો સ્પષ્ટ સંકેત આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારુ કે આદર્શ નથી. સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ફટાકડાનો ઉપયોગ ચાલુ છે.

આવા આત્યંતિક આદેશો સમસ્યાઓ ઊભી કરે છે અને સંતુલન જરૂરી છે.દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ગ્રીન ફટાકડાના ઉત્પાદન અને વેચાણની પરવાનગી માંગતી સંખ્યાબંધ અરજીઓ પરના ચુકાદાને અનામત રાખતા ચીફ જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રન બનેલી ખંડપીઠે આ અવલોકન કર્યાં હતાં.

સંપૂર્ણ પ્રતિબંધને હટાવવાની જોરદાર રજૂઆત કરતાં કેન્દ્ર, એનસીઆર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે બાળકોને દિવાળી અને અન્ય તહેવારો પર કોઈપણ સમય નિયંત્રણો વગર ફટાકડા ફોડવાની મંજૂરી આપવી જોઈએ. બાળકોને બે દિવસ ઉજવણી કરવા દો. તે ફક્ત દિવાળી, ગુરુપુરબ અને નાતાલ જેવા તહેવારો માટે છે.

મારી અંદરનું બાળક ન્યાયાધીશમાં રહેલા બાળકને સમજાવી રહ્યું છે અને થોડા દિવસો માટે કોઈ સમય પ્રતિબંધ ન હોવો જોઈએ.દિલ્હી-એનસીઆરમાં ૨૦૧૮થી લાગુ રહેલા સંપૂર્ણ પ્રતિબંધ પર સવાલ ઉઠાવતા ખંડપીઠે જણાવ્યું હતું કે શું પ્રતિબંધના પરિણામે પ્રદૂષણમાં કોઈ નોંધપાત્ર તફાવત આવ્યો છે અથવા એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ઘટાડો થયો છે ખરો? આના જવાબમાં સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટના ડેટા અનુસાર પ્રદૂષણનું સ્તર વત્તા ઓછા પ્રમાણમાં સમાન રહ્યું છે.

માત્ર કોવિડ-૧૯ લોકડાઉન સમયગાળા દરમિયાન ઔદ્યોગિક અને વાહનોની ગતિવિધિઓ બંધ હતી ત્યારે પ્રદૂષણ ઘટ્યું હતું. પ્રતિબંધ હળવો કરવાનો સંકેત આપતા સીજેઆઈએ જણાવ્યું હતું કે સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારુ કે આદર્શ નથી. વ્યવહારમાં આવા પ્રતિબંધો ઘણીવાર ટાળવામાં આવતાં હોય છે. સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ફટાકડાનો ઉપયોગ ચાલુ છે.

આત્યંતિક આદેશો સમસ્યાઓ ઊભી કરે છે. કોર્ટ એક એવો સંતુલિત ઉકેલ શોધી રહી છે, જે પર્યાવરણીય અને આજીવિકા બંનેના હિતોનું રક્ષણ કરે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.