Western Times News

Gujarati News

જમ્મુ -કાશ્મીરને રાજ્યના દરજ્જા અંગે કેન્દ્ર ચાર સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ કરતી સંખ્યાબંધ અરજીઓ પર જવાબ દાખલ કરવા માટે કેન્દ્રને ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો.

કોર્ટ આ મામલે હવે કેન્દ્રના જવાબ પછી આગળની સુનાવણી કરશે. જમ્મુ કાશ્મીરના ફરી રાજ્યનો દરજ્જો આપવાની શિક્ષણવિદ ઝહૂર અહમદ ભટ અને સામાજિક-રાજકીય કાર્યકર અહમદ મલિક સહિતના લોકોની અરજીઓની સુનાવણી કરતાં મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બનેલી ખંડપીઠે કેન્દ્રને નોટિસ આપીને તેનો જવાબ માંગ્યો હતો. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને અરજદારોના વકીલો વચ્ચે તીખી દલીલબાજી પણ થઈ હતી.

અરજદારોએ રજૂઆત કરી હતી કે જમ્મુ અને કાશ્મીરને વહેલી તકે રાજ્યનો દરજ્જો આપવાના કેન્દ્ર સરકારના વચનનું પાલન થવું જોઇએ. ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ કલમ ૩૭૦ની નાબૂદી અંગેની કોર્ટમાં સુનાવણી દરમિયાન આવું આશ્વાસન આપ્યું હતું.

કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે પ્રદેશમાં ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી પરંતુ હાલની સુરક્ષા ચિંતાઓ અને તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાના મુદ્દાનું મૂલ્યાંકન કરવા માટે સરકારને વધુ સમયની જરૂર છે.

રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાના મુદ્દા પર જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર સાથે પરામર્શ ચાલી રહ્યો હતો પરંતુ અંતિમ નિર્ણય કરતાં પહેલા ઘણા પરિબળોને ધ્યાનમાં લેવાની જરૂર છે.સુનાવણી દરમિયાન સીજેઆઈ ગવઈએ કહ્યું હતું કે આ પ્રદેશ સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યો છે અને પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યાે હતો.

ઝહૂર ભટ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે કેન્દ્રએ ૨૦૨૩માં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની કોર્ટને ખાતરી આપી હતી આ પછી ઘણું પાણી વહી ગયું છે.

આનો જવાબ આપતા મહેતાએ જણાવ્યું હતું કે ઘણુ લોહી પણ. શંકરનારાયણને દલીલ કરી હતી કે આ મામલો પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ સમક્ષ મૂકવામાં આવે, કારણ કે કલમ ૩૭૦નો ચુકાદો પાંચ જજની ખંડપીઠે આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.