ઘોડાસરની ઇમેજ સ્કૂલમાં બાકી ફી મામલે શિક્ષકે વિદ્યાર્થીને લાફા માર્યા
અમદાવાદ, ઘોડાસરમાં આવેલી ઈમેજ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીની બાકી ફી મુદ્દે લાફા મારી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત વાલી અને વિદ્યાર્થી સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો ન હોવાની ફરિયાદ ઊઠી છે. આ અંગે વાલી દ્વારા નારોલ પોલીસ મથકે અરજી કરવા ઉપરાંત અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસનપુર ખાતે રહેતા જગદીશ સોની ઘરઆંગણે સોની કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના બે બાળકો ઘોડાસરમાં આવેલી ઈમેજ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
જોકે, ચાલુ વર્ષે તેમને ધંધામાં મંદી આવતા તેઓ બાળકોની ફી ભરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમણે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીને મળીને પોતાની સ્થિતિ જણાવી ફી ભરવા સક્ષમ ન હોવાનું કહ્યું હતું. જેથી મેનેજિંગ ટ્રસ્ટીએ તેમની ૫૦ ટકા ફી માફ કરી હતી અને બાકીની ૫૦ ટકા ફી આવતા વર્ષના સત્રમાં ભરવા માટે ગ્રાહ્ય રાખી હતી.
જોકે, આ વાત થયા બાદ પણ છેલ્લા પંદર દિવસથી વાલી પાસે સતત ફીની માગણી કરવામાં આવી હતી. આ દરમિયાન ૪ ઓક્ટોબરના રોજ તેમના બાળક પાસે ક્લાસ ટીચર હિનાબેન ચૌધરીએ ફીની માગણી કરી હતી, પરંતુ તેમના બાળક પાસે કોઈ જવાબ ન હોવાથી શિક્ષકે તેને બે લાફા મારી દીધા હતા. ત્યારબાદ બાળકે ઘરે આવીને પિતાને વાત કરી હતી.
જેથી ૬ ઓક્ટોબરે તેઓ આચાર્યને મળવા સ્કૂલમાં ગયા હતા, પરંતુ આચાર્ય મળ્યા નહોતા. જેથી તેઓ ૭ ઓક્ટોબરના રોજ ફરી સ્કૂલમાં ગયા અને આચાર્યને મળ્યા હતા. જેથી તેમણે વાલીને સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા, પરંતુ તેમાં કશું દેખાયું ન હતું.
જેથી વાલીને ફૂટેજમાં છેડછાડ થઈ હોવાનું લાગ્યું હતું. આ ઘટના બાદ તેઓ ૯ ઓક્ટોબરે મેનેજિંગ ટ્રસ્ટીને મળવા ગયા ત્યારે ટ્રસ્ટીએ પણ તેમને ફી તો ભરવી પડશે, ન ભરી શકતા હોય તો લિવિંગ સર્ટિફિકેટ લઈ જાવ તેમ જણાવ્યું હતું. અંતે વાલીએ નારોલ પોલીસ મથકમાં અરજી આપી હતી અને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી છે.SS1MS