Western Times News

Gujarati News

દર્દનાક કિસ્સોઃ વૃધ્ધાના પગ કાપી ચાંદીના કડા લૂંટી ઝાડીમાં ફેંકી ભાગી ગયા દંપત્તિ

AI image

ગંગાપુર: રાજસ્‍થાનના ગંગાપુર શહેરમાંથી હચમચાવી નાખતો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં ૬૦ વર્ષની કમલા દેવી જે સીતૌડના ઢાણી બામનવાસના રહેવાસી છે. મજૂરી કરવા માટે ઘરેથી નીકળ્‍યા હતા. રસ્‍તામાં તેમની મુલાકાત એક દંપતી સાથે થઈ, જેમના નામ રામ અવતાર અને પત્‍ની તનુ ઉર્ફ સોનિયા.

બંનેએ તેમને કહ્યું કે, અહીં નજીકમાં જ કામ છે, મજૂરીના પૈસા પણ સારા એવા મળશે. વિશ્વાસમાં આવીને કમલા દેવી તેમની સાથે ચાલતા થયા. પણ કમલા દેવીને ક્‍યાં ખબર હતી કે જે લોકો પર તેમણે વિશ્વાસ કર્યો છે, તેઓ તેમને ભયંકર રીતે મોતના મુખમાં ધકેલવાના છે. રાતના લગભગ અઢીથી ત્રણ વાગ્‍યાની આસપાસ આરોપી દંપતી કમલાને એક વેરાન જગ્‍યા પર લઈ ગયા.

ત્‍યાં જઈને તનુએ કમલા દેવીનું મોઢું દબાવી દીધું. જેથી તેમની ચીસો કોઈ સાંભળી શકે નહીં. તે જ સમયે રામ અવતારે પાઇપ કાપવાની આરી કાઢી અને નિર્દયતાપૂર્વક મહિલાના પગ પર ચલાવવા લાગ્‍યો. આવું એટલા માટે કર્યું જેથી તેઓ કમલા દેવીના પગમાં પહેરેલા કડા કાઢી શકે. કમલા દેવી આખી રાત તરફડિયા મારતી રહી, પણ મદદ માટે ત્‍યાં કોઈ હતું નહીં.

લોહીથી લથબથ હાલતમાં તેઓ આખી રાત ઝાડીઓમાં પડ્‍યા રહ્યા. સવારે લગભગ આઠ વાગ્‍યે જ્‍યારે એક ટ્રેક્‍ટર નીકળ્‍યું તો તેમણે ડોશીનો અવાજ સાંભળ્‍યો. જ્‍યારે તેમણે જોયું તો પગતળેથી જમીન સરકી ગઈ. કમલા દેવી લોહીથી લથબથ પડ્‍યા હતા. કમલા દેવીને તાત્‍કાલિક એસએમએસ હોસ્‍પિટલ જયપુર લઈ જવામાં આવ્‍યા, પણ ત્‍યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્‍યું હતું.

એસપી અનિલ કુમાર બેનીવાલે જણાવ્‍યું કે, આરોપી રામ અવતાર પહેલાથી અપરાધી છે અને એક મહિના પહેલા જ જેલમાંથી છૂટ્‍યો હતો. પોલીસે ખાલી પાંચ કલાકમાં રામ અવતાર અને તેની પત્‍ની તનુની ધરપકડ કરી લીધી. તેમની પાસેથી ચોરી કરેલા કડા અને વેચેલી રકમ પણ જપ્ત કરી લીધી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે કયા સોનીએ તેમના ચાંદીના કડા ખરીદ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.