‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી બદલ અમદાવાદને ‘શ્રેષ્ઠ જિલ્લા’નો એવોર્ડ પ્રાપ્ત થયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાને સ્વચ્છતા બાબતે નોન ટ્રાઇબલ ‘શ્રેષ્ઠ જિલ્લા‘નો એવોર્ડ અપાયો
ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યભરમાં યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાનમાં અમદાવાદ જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરીને સમગ્ર રાજ્યમાં અનોખું સ્થાન મેળવ્યું છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાને નોન ટ્રાઇબલ ‘શ્રેષ્ઠ જિલ્લા’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક એ.એમ. દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું,જે જિલ્લાના તમામ અધિકારી, કર્મચારી અને ગ્રામ્યજનોની સંયુક્ત મહેનતનું પરિણામ છે.
અત્રે નોંધનીય છે કે અમદાવાદ જિલ્લાને મળેલ આ પુરસ્કાર માત્ર પ્રશસ્તિપત્ર નથી, પરંતુ એ એક પ્રેરણાનું પ્રતીક છે, કે કેવી રીતે સંકલ્પ, સમર્પણ અને સંયુક્ત પ્રયત્નોથી કોઈપણ અભિયાનને લોક કલ્યાણમાં ફેરવી શકાય છે.