Western Times News

Gujarati News

રાજકોટના ડેડરવા ગામમાં હડકાયા શ્વાને ૧૫થી વધુ લોકોને બચકા ભર્યા

રાજકોટ,  રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ડેડરવા ગામમાં છેલ્લા કેટલાક સમયથી હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ગંભીર ઘટનામાં એક જ હડકાયા શ્વાને એક જ દિવસમાં બાળકો સહિત ૧૫થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવના કારણે સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ છે અને તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, ડેડરવા ગામમાં એક શ્વાન હડકાયું થતાં તેણે આતંક મચાવ્યો હતો. હડકાયા બનેલા આ શ્વાને રસ્તા પર જઈ રહેલા બાળકો અને વડીલો સહિત ૧૫થી વધુ લોકોને નિશાન બનાવીને બચકાં ભર્યા હતા.આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલા તમામ ગ્રામજનોને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

હાલ તમામ ઈજાગ્રસ્તો ત્યાં એન્ટી-રેબીઝની સારવાર આપવામાં આવી છે. આ ઘટનાને પગલે ગ્રામજનો એટલા ડરી ગયા છે કે, તેઓ હાલ ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે. ગામમાં ફેલાયેલા આતંક વચ્ચે સ્થાનિક લોકોએ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનો સ્પષ્ટ આરોપ છે કે, ગામમાં શ્વાનનો ત્રાસ વધી રહ્યો હોવા અંગે ગ્રામ પંચાયતને અગાઉ પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં, શ્વાનને પકડવા કે તેનું રસીકરણ કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

ગામલોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માગણી કરી છે. તેમની મુખ્ય માગ છે કે, તાત્કાલિક અસરથી હડકાયા શ્વાનને પકડવામાં આવે. અને ગામના અન્ય શ્વાનનું રસીકરણ કરવામાં આવે. સ્થાનિકોની માંગ છે કે, તંત્ર તાત્કાલિક પગલાં ભરે જેથી તેમને આ આતંકમાંથી મુક્તિ મળી શકે અને કોઈ મોટી કે ગંભીર જાનહાનિ ન થાય. જો વહીવટી તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો આંદોલન પણ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.