Western Times News

Gujarati News

ભારત સામેની ટી૨૦ સિરીઝમાં પુનરાગમન કરવા મેક્સવેલ આશાવાદી

મેલબોર્ન, ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ આ મહિને પ્રવાસી ભારત સામે રમાનારી ટી૨૦ ક્રિકેટ મેચની સિરીઝમાં પુનરાગમન કરવા અંગે આશાવાદી છે.

ગ્લેન મેક્સવેલે તેના જમણા હાથના કાંડાની સર્જરી કરાવી હતી અને કેટલાક સમયથી તે ટીમની બહાર છે. ભારતીય ટીમ આવતા સપ્તાહે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનારી છે જેમાં ત્રણ વન-ડે અને પાંચ ટી૨૦ મેચની સિરીઝ રમાશે. ૧૯મી ઓક્ટોબરથી ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાયા બાદ બંને ટીમ ૨૯મીથી પાંચ મેચની ટી૨૦ સિરીઝમાં આમને સામને થશે.

મેક્સવેલને આ સિરીઝની છેલ્લી કેટલીક મેચ અગાઉ પુનરાગમન કરવાની અપેક્ષા છે.૩૬ વર્ષીય મેક્સવેલ ગયા મહિને ઓસ્ટ્રેલિયા માટે ટી૨૦ રમવા ન્યૂઝીલેન્ડ ગયો હતો પરંતુ મેચ શરૂ થાય તે અગાઉ પ્રેક્ટિસ દરમિયાન તેના સાથી ખેલાડી મિચેલ ઓવને ફટકારેલા શોટમાં તેના હાથે ઇજા થઈ હતી. આમ તે એક પણ મેચ રમ્યા વિના જ વતન પરત ફરી ગયો હતો.

આગામી બિગ બેશમાં તે મેલબોર્નની ટીમ માટે રમવાનો છે. ટીમની કિટના લોંચિગ પ્રસંગે મેકસવેલે જણાવ્યું હતું કે ગયા સપ્તાહે હાથની સર્જરી કરાવ્યા બાદ ભારત સામેની ટી૨૦ સિરીઝની કેટલીક મેચમાં રમવાની મને આશા જાગી છે. ત્યાં સુધીમાં હું ફિટ થઈ ગયો હોઇશ.ભારત સામેની પાંચ મેચની ટી૨૦ સિરીઝની પ્રથમ બે મેચ માટેની કાંગારું ટીમની જાહેરાત થઈ તેમાં મેક્સવેલને સામેલ કરાયો નથી. જોકે બાકીની ત્રણ મેચ માટે પોતાને સામેલ કરાય તે હેતુથી મેક્સવેલે તાજેતરમાં જ કાંડાની સર્જરી કરાવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી, ચોથી અને પાંચમી ટી૨૦ મેચ બીજી, છઠ્ઠી અને આઠમી નવેમ્બરે અનુક્રમે હોબાર્ટ, ગોલ્ડ કોસ્ટ અને બ્રિસબેન ખાતે રમાશે.મેક્સવેલે ઉમેર્યું હતું કે સર્જરી કરાવવાનું એક માત્ર કારણ એ છે કે તેમણે મને વિકલ્પ આપ્યો હતો કે સર્જરી કરાવ્યા વિના આખી સિરીઝ ગુમાવવી અથવા તો સર્જરી કરાવીને કેટલીક મેચમાં રમવાની તક જાળવી રાખવી અને મેં બીજો વિકલ્પ પસંદ કર્યાે હતો.

જોકે આમ છતાં રમવાનું શક્ય નહીં બને તો હું આગામી બિગ બેશ ટી૨૦ લીગ માટે વહેલો સજ્જ થઈ ગયો હોઇશ અને તે માટે મને પર્યાપ્ત આરામ પણ મળી ગયો હશે તેમ ગ્લેન મેક્સવેલે ઉમેર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.