મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસની ચર્ચાઓએ રાજકીય ગરમાવો વધાર્યો

File Photo
સીએમની દિલ્હી મુલાકાત, જગદીશ વિશ્વકર્મા અને રત્નાકર પણ પહોંચ્યાં- મંત્રીમંડળના વિસ્તરણ સહિતના મુદ્દે નિર્ણય લેવાય તેવી અટકળો
ગાંધીનગર, મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસની ચર્ચાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. તેમની સાથે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વક્રમા અને સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી પ્રવાસમાં જોડાયા છે.
સુત્રોનું માનીએ તો દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે તેમની બેઠક યોજાવવાની છે. છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મહામંત્રીના દિલ્હી પ્રવાસ મોટા ફેરફારના સંકેત આપતો જણાય છે.
અગાઉ ૪ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વચ્ચે મુલાકાત થઇ હતી આમ ૪૦ દિવસમાં જ બીજીવાર પીએમ અને સીએમની મુલાકાતને લઇ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે. બીજી તરફ, કેટલાંક સૂત્રો એ પણ સંકેત આપી રહ્યા છે કે પ્રવાસનો હેતુ માત્ર રાજકીય નહીં, અન્ય વહીવટી મુદ્દાઓ પર પણ ચર્ચા કરવાનો હોઈ શકે છે.
મંત્રીમંડળમાં જે નેતાઓને સ્થાન મળી શકે તેમ છે તેવા નેતાઓની યાદી પર નજર કરીએ તો જયેશ રાદડિયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ઉદય કાનગડ, વેજલપુરના અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, ભાવનગરના હીરા સોલંકી, અમરેલીના મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, દક્ષિણ ગુજરાતના સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, જામનગરનાં રીવાબા જાડેજા અને પોરબંદરના અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના અનિરુદ્ધ દવે તથા નડિયાદના પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે.