કોચિંગ સેન્ટરો પર નવા કાયદા લાવી શિક્ષણ વિભાગે લગામ લગાવશે

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં, ખાસ કરીને અમદાવાદમાં, કોચિંગ ક્લાસ ધમધમતા જોવા મળે છે. ઘણીવાર શાળાના સમય દરમિયાન જ આ ક્લાસ ચાલતા હોય છે. તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ શાળામાં જવાની જગ્યાએ કોચિંગ ક્લાસમાં જ ભણવા જતા હોય છે. હવે, આવા કોચિંગ ક્લાસના સંચાલકોની મનમાની અટકાવવા માટે રાજ્યમાં નવા નિયમો લાવવામાં આવશે.
નવા કાયદા મુજબ શાળા અને કોચિંગ સેન્ટરો એક જ સમયે ચાલી શકશે નહીં. ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશને નવા કાયદાના પ્રસ્તાવમાં તેમના પ્રતિનિધિઓનો સમાવેશ કરવાની માંગ કરી છે. હાલના સમયમાં, ઘણા કોચિંગ ક્લાસ કોઈપણ પ્રકારના રજીસ્ટ્રેશન વગર જ ચાલતા હોય છે. તેથી આ ક્લાસોને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના હુકમ બાદ, રાજ્ય સરકારે કોચિંગ ક્લાસ માટે નવા નિયમો લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. શિક્ષણ વિભાગે આઠ સભ્યોની સમિતિની રચના કરી છે, જેમાં ગુજરાત માધ્યમિક બોર્ડના ચેરમેનને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમિતિ આગામી સમયમાં નવા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરશે, જેમાં શાળા અને કોચિંગ સેન્ટરો એક જ સમયે ન ચલાવવાનો સમાવેશ થશે.
કોર્ટે નોંધ્યું હતું કે, કોચિંગ સેન્ટરો વિદ્યાર્થીઓની ક્ષમતાને આધારે બેચ બનાવતા હોવાથી, વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવે છે. આ તણાવને કારણે વિદ્યાર્થીઓમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આ સમસ્યાને નિવારવા માટે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને માર્ગદર્શન આપ્યું છે. ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશને, કમિટીમાં તેમના ૪ સભ્યોનો સમાવેશ કરવાની માંગણી કરી છે.