પ્રાંતિજ શહેર BJP પ્રમુખનો હોદ્દો સંભાળતા શિક્ષકનું કારસ્તાન બહાર આવ્યું

પોતાના કલાસમાં ભણતી છાત્રાને શિક્ષકે પ્રેમજાળમાં ફસાવી હતી-શિક્ષકની નોકરી કરતો પ્રાંતિજ શહેર BJP પ્રમુખ વિદ્યાર્થિનીને ભગાડી ગયો
પ્રાંતિજ, પ્રાંતિજ ભાજપ શહેર પ્રમુખનો હોદ્દો સંભાળતા તેમજ વ્યવસાયે શિક્ષક એવા યુવકે તેના હાથ નીચે ભણતી તેનાથી ૧ર વર્ષ નાની વિદ્યાર્થિનીને ભગાડી જઈને લગ્ન કરી લીધાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે યુવતીના પિતાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાંતિજમાં રહેતા અને પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખનો હોદ્દો સંભાળતા તેમજ પ્રાંતિજની શેઠ પી એન્ડ આર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કુશવભાઈ શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ તેમજ વિદ્યાર્થિની જેને બે વર્ષ પહેલાં ભણાવતા હતા તેમના કલાસમાં જ ભણતી વિદ્યાર્થીની સાથે કુશવે પ્રેમજાળમાં ફસાવી હતી.
આ રર વર્ષીય યુવતીએ ૩૪ વર્ષીય કુશવભાઈ બ્રહ્મભટ્ટ ભગાડી જઈ લગ્ન કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ મામલે યુવતીના પિતાએ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તા.૭.૧૦.ર૦રપના રોજ બંનેએ લગ્ન કરી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભાજપ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવોની વાતો વચ્ચે પ્રાંતિજ ભાજપ શહેર પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટે પોતાનાથી ૧ર વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરી દેતા યુવતીના પરિવાર સહિત સમાજના લોકોનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોચ્યો હતો.
તેઓ પ્રાંતિજ પોલીસ સ્ટેશને દોડી આવ્ય્ હતા અને પોતાની દીકરી પાછી સોંપોની માંગ કરી રહ્યા હતા. સાથે જ કુશવ બ્રહ્મભટ્ટના માતા-પિતાને પોલીસ સ્ટેશન બોલાવી તેમની પાસેથી પુછપરછ કરી તેમની દીકરી પરત કરવા માંગ કરી પોલીસ સ્ટેશન ખાતે ધામા નાંખ્યા હતા.
દરમિયાન આ સમગ્ર ઘટનાથી યુવતીના ભાઈને લાગી આવતાં હાર્ટ એટેક આવ્યો હતો. આથી પહેલાં હિંમતનગર ખસેડવામાં આવ્યો હતો. બાદમાં અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોતાનીથી ૧ર વર્ષ નાની છાત્રાને ભગાડી જઈને લગ્ન કરનારા શિક્ષક તેમજ શહેર ભાજપ પ્રમુખ સામે શિક્ષણજગતમાં લાંછન લગાડ્યાની ઘટનાએ ચકચાર મચાવી છે.