દિવાળીની ઘરાકી ન દેખાતા ગોધરામાં વેપારીઓમાં ભારે નિરાશા

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ)ગોધરા , ગોધરા શહેરના નવા બસ સ્ટેશન (લાલબાગ) પર આવેલ દુકાનદારો માટે આ વર્ષની દિવાળી આનંદ કરતાં વધુ ચિંતા લઈને આવી છે. સામાન્ય રીતે દિવાળી અને નૂતન વર્ષના દિવસોમાં બસ સ્ટેશન વિસ્તારમાં ભારે અવરજવર રહેતી હોય છે — ખરીદી કરનારા લોકો, ગામડાંઓમાંથી આવતા શ્રમિકો તથા પ્રવાસીઓની ભીડને કારણે અહીંના વેપારીઓના ચહેરા પર ખુશી ઝળહળતી દેખાતી હતી. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ એકદમ વિપરીત જોવા મળી રહી છે.
હકીકતમાં, ગોધરાનું મુખ્ય બસ સ્ટેશન હંગામી ધોરણે ભુરાવાવ ખાતે ખસેડાતા, શહેરના લાલબાગ બસ સ્ટેશન વિસ્તારના વેપારીઓ માટે જાણે જીવિકાનો આધાર તૂટ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
અગાઉ જ્યાં રોજ સવારથી સાંજ સુધી મુસાફરોની આવનજાવન ચાલતી હતી, ત્યાં આજે સુમસામ માહોલ છવાયેલો જોવા મળે છે. દુકાનોમાં ગ્રાહકોના પગ જ પડતા નથી, અને આખો દિવસ રાહ જોતા વેપારીઓએ હવે નિરાશાનો સ્વર ધરી લીધો છે.
સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે, “દર વર્ષે દિવાળીના દિવસોમાં અમારી દુકાનો પર ખરીદીનો માહોલ છવાયેલો રહેતો. મુસાફરો, ગામડાંના લોકો, શ્રમિકો — બધા અહીંથી ખરીદી કરતા. પરંતુ હવે બસ સ્ટેશન બંધ હોવાને કારણે રોજનું આવક સૂન્ય થઈ ગઈ છે. અમને આશા છે કે તંત્ર હંગામી વ્યવસ્થા છતાં અમુક હિસ્સામાં બસ સ્ટેશન ચાલુ રાખે, જેથી અમારું ગુજરાન ટકી રહે.”
ગોધરા શહેર ના લાલબાગ બસ સ્ટેશન વિસ્તારનું દૃશ્ય હાલમાં મન ખીન કરનારું છે. એક સમયે અહીં તહેવારના દિવસોમાં દુકાનોની સામે લાંબી કતાર જોવા મળતી, સજાવટ કરેલી દુકાનો પર રંગબેરંગી લાઈટો ઝગમગતી, બાળકોના રમકડાં, કપડાં, મીઠાઈઓ અને ભેટસામાનની ખરીદીમાં ભારે ધમધમાટ રહેતો. પરંતુ હવે એ જ જગ્યાએ ધૂળ ઉડતી અને ખાલી રસ્તાઓ દેખાતા, વેપારીઓ માટે દિવાળી આનંદ કરતાં વધુ દુઃખનો તહેવાર બની ગઈ છે.
વેપારીઓએ તંત્રને અપીલ કરી છે કે, “બસ સ્ટેશનનું સ્થળાંતરણ તાત્કાલિક છે, પરંતુ તેની અસર અમારે દૈનિક જીવન પર લાંબા સમય સુધી રહેવાની છે. તેથી સરકાર હંગામી રાહતરૂપે અમને કોઈ વ્યવસાયિક સહાયતા કે સ્થાનાંતરણ માટેની સુવિધા પૂરી પાડવી જોઈએ.” દિવાળીના ગણતરીના દિવસો બાકી હોવા છતાં બજારમાં સામાન્ય ગરાકી પણ ન દેખાતી હોય, વેપારીઓએ આશા ગુમાવી દીધી છે.
ગોધરાનું લાલબાગ બસ સ્ટેશન, જે ક્યારેક શહેરના વેપાર માટે જીવાડું ગણાતું હતું, આજે ખાલી અને નિર્જન દેખાઈ રહ્યું છે — જે સ્થિતિ શહેરના વેપાર વર્તુળ માટે ચિંતાજનક સંકેત બની રહી છે.