Western Times News

Gujarati News

72 વર્ષ પૂર્ણ થવા પર અશોકભાઈએ ભારતમાં 7200 અને અમેરિકામાં 7200 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો

૭૨ વર્ષે ગાંધીજીની આત્મકથાની ૭૨ પ્રતોની વહેંચણી, રક્તદાન શિબિર, જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ અને ગાંધીભજનો સાથે ઉજવણી

ગાંધીઆશ્રમ ખાતે સેવા વસ્તીના બાળકો સાથે જન્મદિનની ઉજવણી કરતા સ્વાતંત્ર્ય સેનાનીના સુપુત્ર અશોકભાઈ પટેલ

Ahmedabad, ગાંધી આશ્રમ ખાતે તારીખ ૧૩ ઓક્ટોબર, સોમવારની સાંજ વિશિષ્ટ બની રહી કારણ કે પ્રખર ગાંધી ભક્ત શ્રી અશોકભાઈ ગોકળદાસ પટેલે તેમના ૭૨મા જન્મદિવસની ઉજવણી સત્ય અને અહિંસાના પવિત્ર તીર્થ એવા સાબરમતી આશ્રમમાં કરી.

ઢળતી બપોરે ચાર વાગે સેવાવસ્તીના અનાથ બાળકો સાથે તેમણે જીવનની યાદગાર પળો વહેંચી હતી. આ અનોખી ઉજવણીમાં શ્રી રમેશભાઈ બારોટે ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ જેવી ગાંધીજીને પ્રિય કૃતિઓ રજૂ કરી હતી.

ત્યારબાદ જાણીતા પત્રકાર શ્રી રમેશ તન્નાએ કસ્તુરબા ગાંધી ના જીવન પ્રસંગો, તેમણે ગાંધીજીને આપેલો બિનશરતી સાથ, નારીઉત્થાન અને સ્વતંત્રતાની ચળવળમાં આપેલા યોગદાન વિશે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

આજના આ માહોલમાં લોકો પોતાનો જન્મદિવસ સામાન્ય રીતે આલીશાન બેન્કવેટ હોલ કે પાર્ટી પ્લોટોમાં ઉજવતા હોય છે ત્યારે અમેરિકાના ડલાસ ખાતે વસવાટ કરતા અશોક ગોકળદાસ દરવર્ષે પોતાનો જન્મદિવસ ગાંધીઆશ્રમમાં ઉજવે છે. તેમના પિતા ગાંધીજી અને સરદાર પટેલ સાથે કાર્યરત હતા.

પિતાને અભ્યાસ માટે ગુજરાત વિદ્યાપીઠની સ્કોલરશીપ ગાંધીજીની ભલામણથી મળી હતી. આ કારણે તેઓ વધુ અભ્યાસ કરવાને સક્ષમ બન્યા. ગાંધીજીને કારણે જ તેમનું કુટુંબ પગભર બન્યું છે. જેનું ઋણ તેઓ વિસર્યા નથી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આપેલ “એક પેડ માં કે નામ” ના સંકલ્પ સાથે આ વર્ષે તેમના ૭૨માં જન્મદિવસે ૭૨૦૦ વૃક્ષ ભારતમાં અને ૭૨૦૦ વૃક્ષ અમેરિકા ખાતે વાવવાનો સંકલ્પ કર્યો છે. આ ઉપરાંત વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીને સ્વદેશી વસ્તુઓ અપનાવવા નો સંકલ્પ કર્યો છે.

સાથોસાથ તેઓ તેમના પિતાજી ગોકળદાસ પટેલની હયાતીમાં જ સ્થપાયેલા ગોકળપુરા ગામના લોકોને જીવન ઉપયોગી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. તથા ગાંધીવિચારોને પ્રસરાવવા માટે ૭૨ ‘સત્યના પ્રયોગો’ આત્મકથાનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે શ્રી સુરેન્દ્રભાઈ બક્ષી, શ્રી નિમિશભાઈ શાહ, શ્રી જલદીપ ઠાકર અને શ્રી મેહુલ પટેલને વિવિધ લોકઉપયોગી પ્રવૃતિઓ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આમંત્રિત મિત્રો, સ્નેહીજનો અને કસ્તુરબા ગાંધી કેળવણી ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.