Western Times News

Gujarati News

પાક.માં ટીએલપીનું હિંસક વિરોધ પ્રદર્શન પોલીસ અધિકારી સહિત ૫ાંચનાં મોત

ઇસ્લામાબાદ, ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે થયેલા યુદ્ધવિરામની સમજૂતીનો વિરોધ કરી રહેલા પાકિસ્તાન સ્થિત કટ્ટર ઈસ્લામિક જૂથ તહરીક-એ-લબ્બેક (ટીએલપી) દ્વારા હિંસાને વધુ ભડકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પેલેસ્ટેનિયનનું સમર્થન કરી રહેલા ટીએલપીના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો નોંધાયા છે. પંજાબ પોલીસના પ્રવક્તા મુબાશિર હુસૈને પુષ્ટિ કરતા જણાવ્યું કે, અથડામણમાં પોલીસ સ્ટેશનના ઓફિસર (એસએચઓ)નું મોત થયું હતું.

જ્યારે ટીએલપીના ચાર સભ્યો પણ મોતને ભેટ્યા હતા.તંત્રએ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાહોર તથા ઈસ્લામાબાદના રસ્તાઓ પર બેરિકેડ ગોઠવીને વાહનોની અવરજવર બંધ કરી દીધી છે.

વધુ હિંસાની આશંકાએ ઈસ્લામાબાદમાં કેટલીક શાળાઓને વહેલી બંધ કરવાની ફરજ પડી હતી. બીજી બાજુ, બિનસત્તાવાર આંકડામાં ૫૦થી વધુ પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને ૨૦૦થી વધુ પ્રદર્શનકારીઓ હણાયા હોવાનું જાણવા મળ્યું છે. સૈંકડો લોકોને ઇજા પહોંચી છે.

શુક્રવારે ટીએલપીના સમર્થકોએ લાહોરમાં વિરોધ રેલીનું આયોજન કર્યું હતું અને ઈસ્લામાબાદ સ્થિત યુએસ દૂતાવાસ ખાતે દેખાવો કરવાની તેમની યોજના હતી. ગાઝા અને પેલેસ્ટાઈનના સમર્થનમાં આ રેલી યોજાઈ હતી.

ત્યારે પાક. પોલીસે ટીએલપી પર કડક કાર્યવાહી કરતાં મોટાપાયે પાકિસ્તાન રેન્જર્સ તથા પાંચ જિલ્લામાંથી પોલીસ કાફલાને ટીએલપીની છાવણી એવા મુરિદકે ખાતે તૈનાત કર્યા હતા. ટીએલપીના વડા હાફિઝ સાદ હુસૈન રિઝવીને અનેક ગોળીઓ વાગતાં તેની હાલત ગંભીર હોવાનું જણાય છે.

ઠેરઠેર હિંસક અથડામણમાં ૨૫૦ જેટલા કાર્યકરોની હત્યા કરાઈ હોવાનું જ્યારે ૧,૫૦૦ જેટલા ઈજાગ્રસ્ત થયા હોવાનો ટીએલપીએ દાવો કર્યાે છે. પોલીસે અગાઉ બે વખત મુરિદકેમાં એકત્ર થયેલા ટીએલપીના સમર્થકોને ઈઝરાયેલ વિરોધી રેલી યોજીને ઈસ્લામાબાદ તરફ કૂચ કરતા અટકાવ્યા હતા. પોલીસે બળપ્રયોગ કર્યાે હતો તથા ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.