વોટચોરીના નક્કર પુરાવા ના હોય ત્યાં સુધી પ્રશ્નો કરી શકાય નહીંઃ સુપ્રીમ

નવી દિલ્હી, દેશમાં ‘વોટચોરી’ને લઈને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીમાં બેંગલુરુ સેન્ટ્રલ સહિત કેટલીક વિધાનસભા સીટોમાં વોટચોરી થઈ હોવાના દાવો કર્યા હતા.
આ સંદર્ભે તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓની દલીલોને અપૂરતી ગણાવીને આ અરજી ફગાવી દીધી છે.
આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતદાર યાદીની અદ્યતન અને સંશોધન પ્રક્રિયા ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને જ્યાં સુધી કોઈ નક્કર પુરાવા હોય નહીં, ત્યાં સુધી તેના પર પ્રશ્નો કરી શકાય નહીં. હવે ચૂંટણી પંચ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે અમે આરંભથી કહી રહ્યા છીએ કે વોટચોરીના તમામ આક્ષેપો પાયાવિહોણા છે.
બિહારમાં મતદાર યાદીની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રીતે કરવામાં આવી છે. ચૂંટણી પંચ સંપૂર્ણપણે તટસ્થ રહીને કામ કરી રહ્યું છે. બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા પણ પારદર્શક રીતે સંપન્ન કરવામાં આવી છે.
ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બિહારમાં અંતિમ મતદાર યાદી પ્રકાશિત થયા પછી હમણાં સુધી કોઈ પ્રકારની અપીલ કે વાંધા આવ્યા નથી. જે પણ દાવા અને વાંધા રજૂ કરવામાં આવ્યા હતા, તેનું નિરાકરણ નિયમ પ્રમાણે કરાયું છે. એક પણ મતદારનું નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી ડિલીટ કરાયું નથી.SS1MS