Western Times News

Gujarati News

ભારત વિરુદ્ધ ઝેર ઓંકનારા મુનીર બન્યા ટ્રમ્પના ‘ફેવરિટ’

વાશિંગ્ટન, પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સબંધો ઘણા નજીક આવી રહ્યા દેખાઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની સેનાના વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને ‘ફેવરિટ’ ગણાવીને તેમના જાહેરમાં વખાણ કર્યા હતા.

મહત્ત્વની વાત એ છે કે, જે કાર્યક્રમમાં ટ્રમ્પે મુનીરની પ્રશંસા કરી હતી, ત્યાં તેઓ હાજર પણ નહોતા. બીજી તરફ, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે યુદ્ધવિરામ કરાવવાનો શ્રેય ટ્રમ્પને આપ્યો હતો.

ઇજિપ્તમાં આયોજિત ગાઝા શાંતિ શિખર સંમેલનમાં વિશ્વના અનેક મોટા નેતાઓ એકઠા થયા હતા, જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ પણ હાજર હતા, પરંતુ આર્મી ચીફ આસિમ મુનીર હાજર નહોતા.

ટ્રમ્પે જ્યારે વડા પ્રધાન શરીફને સંબોધન માટે આમંત્રણ આપ્યું ત્યારે તેમણે કહ્યું, “પાકિસ્તાનના વડા પ્રધાન શરીફપ અને મારે કહેવું પડશે કે પાકિસ્તાનના મારા ફેવરિટ ફિલ્ડ માર્શલ, જે અહીં નથી, પરંતુ વડા પ્રધાન અહીં છે.”

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે તાજેતરમાં જ વ્હાઇટ હાઉસમાં શરીફ અને મુનીર સાથે મુલાકાત કરી હતી અને તે દરમિયાન પણ તેમણે પાકિસ્તાની સેના પ્રમુખની ભારે પ્રશંસા કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શરીફે આ પ્રસંગે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના અથાક પ્રયાસો બાદ જ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાઈ છે. ટ્રમ્પ અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદ સહિત સાત વિવાદો ઉકેલવાનો દાવો કરતા આવ્યા છે.

જોકે, હવે તેમણે ઇઝરાયલ-ગાઝા વિવાદને જોડીને આ સંખ્યા આઠ કરી દીધી છે.ટ્રમ્પે ૧૦ મેના રોજ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે અમેરિકાની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન ‘સંપૂર્ણ અને તાત્કાલિક’ સંઘર્ષવિરામ માટે સહમત થયા છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ અનેકવાર પોતાનો આ દાવો દોહરાવ્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો ‘ઉકેલ’ લાવવામાં મદદ કરી છે. ટ્રમ્પ દ્વારા આસિમ મુનીરના જાહેરમાં કરાયેલા વખાણ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નવા વળાંકનો સંકેત આપી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.