અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ સુપ્રીમ કોર્ટનો સીબીઆઈ તપાસનો આદેશ

નવી દિલ્હી, તમિલનાડુના કરુર ખાતે તમિલ અભિનેતા અને રાજનેતા વિજયની રાજકીય રેલી દરમિયાન થયેલી નાસભાગ મામલે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. સુપ્રીમના મતે આ ઘટનાએ દેશના અંતરાત્માને હચમચાવી નાંખ્યો હતો. વિજયની ૨૭ સપ્ટેમ્બરે યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા જેમાં ભાગદોડ થતાં ૪૧નાં મોત થયા હતા.
સર્વાેચ્ચ અદાલતના જજ જસ્ટિસ જેકે માહેશ્વરી અને એનવી અંજારિયાએ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અજય રસ્તોગીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સુપરવાઈઝરી સમિતિની રચના કરી છે જે સીબીઆઈ તપાસ પર દેખરેખ રાખશે.
વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)ની અરજીમાં એસઆઈટી દ્વારા નિષ્પક્ષ તપાસ તથા એક વ્યક્તિનું પંચ નિમવાની માગને સર્વાેચ્ચ અદાલતે ફગાવી હતી.સુપ્રીમે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને પલટતાં જસ્ટિસ એન સેન્થિલકુમારની આ ઘટના અંગેની અરજી પર વિચાર કરવા, એસઆઈટી તપાસનો આદેશ આપવા ઉપરાંત ટીવીકે તથા તેના સભ્યોને પક્ષકાર બનાવ્યા વગર તેમની વિરુદ્ધ અવલોકનો કરવા બદલ ટીકા કરી હતી.
ભાજપના નેતા ઉમા આનંદે સૌપ્રથમ આ ઘટનાની સીબીઆઈ તપાસ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી જેને કોર્ટે નકારતાં તેમણે સુપ્રીમનો દરવાજો ખટખટાવ્યો હતો.SS1MS