ગિરનાર મંદિરમાં તોડફોડનો પર્દાફાશ પૂજારી જ નીકળ્યો સૂત્રધાર, બેની ધરપકડ

જૂનાગઢ , ગિરનાર પર્વત પર અંદાજે ૫,૫૦૦ પગથિયાં નજીક આવેલા ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં તા. ૪ ઓક્ટોબરની રાત્રે થયેલી મૂર્તિ તોડવાની શરમજનક ઘટનાનો જૂનાગઢ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે.
આ ચોંકાવનારી ઘટનાનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ મંદિરનો જ પગારદાર સેવાદાર (પૂજારી) નીકળ્યો. પોતાની કમાણી વધારવા અને લાઇમલાઇટમાં આવવા માટે તેણે આ ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હતું.પોલીસે આ કેસમાં મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા અઢી વર્ષથી જૂનાગઢમાં રહેતા પગારદાર સેવાદાર કિશોર કુકરેજા અને તેના સાથીદાર રમેશ ભટ્ટની ધરપકડ કરી છે.
જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ગંભીર ઘટના બાદ ગિરનાર રૂટ, રોપ-વે અને અન્ય જગ્યાઓના કુલ ૧૫૬ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા. આ માટે ૧૦ ટીમો અને ખાસ નેત્રમ ટીમને કામે લગાડવામાં આવી હતી.તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે કેટલીક શંકાસ્પદ બાબતો સામે આવી હતી.
મંદિરનો કાચ એક બાજુથી તોડવામાં આવ્યો હતો, પરંતુ ૫૦ કિલો વજનની મૂર્તિ તૂટેલા કાચમાંથી નીકળવી શક્ય નહોતી. પોલીસે આ શંકા દૂર કરવા એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની મદદ લીધી.
જેવો કાચ તોડાયો હતો, તેવો જ નવો કાચ લગાવી અને તેટલા જ વજનની બીજી મૂર્તિ મંગાવીને સમગ્ર ઘટનાનો ડેમો કરવામાં આવ્યો. ડેમોમાં સાબિત થયું કે, મૂર્તિને કાચ તોડીને બહાર કાઢવી અત્યંત મુશ્કેલ હતી.આ બાબતે પોલીસની શંકા દૃઢ બની કે આ કૃત્ય અંદરના કોઈ વ્યક્તિનું જ છે.
પોલીસને શંકાસ્પદ જણાતા રમેશ ભટ્ટ, જે ત્રણ મહિના પહેલાં સેવાદાર હતો અને ફોટોગ્રાફી કરતો હતો, તેની યુક્તિપૂર્વક પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી અને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો.
રમેશ ભટ્ટે કબૂલાત કરી કે તા. ૪ ઓક્ટોબરની સાંજે આરતી પૂર્ણ થયા બાદ પગારદાર સેવાદાર કિશોર કુકરેજાએ તેને કહ્યું કે ‘આપણે એક કાંડ કરવાનો છે’.સાંજે ૭ઃ૩૦ વાગ્યા બાદ કિશોર કુકરેજાએ મુખ્ય મંદિરમાંથી એક લોખંડનો પાઇપ લીધો અને ગૌરક્ષનાથ મંદિરના સાઇડના કાચને તોડી નાખ્યો. ત્યારબાદ પાઇપ પાછો મૂકીને મંદિરને તાળું માર્યું અને રમેશ ભટ્ટને ૯ઃ૦૦ વાગ્યા બાદ જાણ કરવાનું કહ્યું હતું.
રાત્રે ૯ઃ૩૦ વાગ્યા બાદ કિશોર કુકરેજાએ પોતાની પાસેની ચાવીથી મંદિરનું તાળું ખોલ્યું અને બંને જણા મળીને ગુરુ ગૌરક્ષનાથની મૂર્તિને બહાર કાઢી. ત્યારબાદ બંનેએ મૂર્તિને ઊંચકીને પર્વત પરથી ધક્કો મારી દીધો અને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે બંને આરોપીઓ રમેશ ભટ્ટ અને કિશોર કુકરેજાની ધરપકડ કરીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.SS1MS