ફોનમાંથી રિક્ષા બુક કરવાનું કહીને શખ્સે લાફો મારી લૂંટી લેતા આધેડને લકવા થયો

અમદાવાદ, દિવાળી ટાણે શહેરની કાલુપુર, ખાડિયા અને હવેલી પોલીસના નાક નીચે રિક્ષાચાલકના સ્વાંગમાં ફરતા લૂંટારુઓ ફરી એક વાર સક્રિય બન્યા છે. એક આધેડ સેલ્સમેન રિક્ષા સ્ટેન્ડ પર ઊભા હતા ત્યારે એક શખ્સ તેમની પાસે આવ્યો હતો.
તેણે આધેડને મોબાઇલથી રિક્ષા બુક કરાવી આપવાનું કહેતા આધેડે મનાઇ કરી હતી. જેથી શખ્સે ઉશ્કેરાઇને આધેડના ખિસ્સામાંથી ફોન અને રોકડા લૂંટી લીધા હતા. બાદમાં લાફો મારીને વધુ કંઇ હોય તો આપી દેજે તેમ કહીને ધક્કો મારીને ભાગી ગયો હતો.
આ ઘટનાના કારણે આધેડને શરીરના જમણી બાજુના અંગમાં લકવા થઇ જતા તે ગભરાઇને ઘરે જતા રહ્યા હતા. બાદમાં પોલીસને જાણ કરતા કાલુપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નરોડાની આનંદનગર સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય હાસાનંદ સાધનાની પાંચકુવા પાસે આવેલા માર્કેટમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે.
ગત શનિવારની રાત્રે હાસાનંદ નોકરી પૂરી કરીને ઘરે જવા નીકળ્યા હતા. કાલુપુર રેલવે સ્ટેશનની સામે રિક્ષા સ્ટેન્ડ પાસે ઊભા હતા. ત્યારે ત્યાં આવેલા એક શખ્સે હાસાનંદ પાસે મોબાઇલ ફોન માગીને ફોનથી રિક્ષા બુક કરાવી આપવાનું કહેતા હાસાનંદે મનાઇ કરી હતી. શખ્સની વાત સાંભળીને હાસાનંદે મારે કોઈ રિક્ષા નથી કરાવવી તેમ કહ્યું હતું. જેથી શખ્સે બળજબરીપૂર્વક હાસાનંદના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ અને રોકડા સહિત કુલ રૂ. ૫૪૦૦ની મતા લૂંટી લીધી હતી.
શખ્સે હાસાનંદને લાફો મારીને તારી પાસે જે કાઈ પણ હોય તે આપી દે નહીં તો તને જાનથી મારી નાખીશ તેમ કહીને ધમકી આપી હતી. આ ઘટનાના કારણે હાસાનંદને શરીરના જમણી બાજુના અંગમાં લકવા થઇ જતા તે ગભરાઇને ઘરે જતા રહ્યા હતા. હાસાનંદે તેમના દીકરાને આ બાબતે વાત કરતા આખરે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ તેજ કરી છે.
જગુદણ ગામમાં રહેતા વિષ્ણુ પ્રજાપતિ સાયકલ રિપેરિંગની દુકાન ધરાવે છે. બે દિવસ પહેલા તે મહેસાણાથી અમદાવાદ ખાતે સાયકલના સ્પેરપાર્ટ ખરીદી કરવા માટે ૫૦ હજાર રૂપિયા લઈને આવ્યા હતા.
વિષ્ણુભાઇ સુભાષ બ્રિજથી રિક્ષામાં બેસીને કાલુપુર જવા માટે નીકળ્યા ત્યારે રિક્ષામાં અગાઉથી બેઠેલા ગઠિયાઓએ સરખું બેસતા ફાવતુ નથી તેમ કહીને પોલીસ હેડ ક્વાટરની સામે વિષ્ણુભાઇને ઉતારી દીધા હતા. વિષ્ણુભાઇએ ખિસ્સા તપાસતા ૫૦ હજાર રૂપિયા ચોરી થયા હતા. માધવપુરા પોલીસે રિક્ષા ચાલક અને તેની ગેંગ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.SS1MS