રાજ્યવ્યાપી કુલ ૧૩ દરોડા દરમિયાન અંદાજે રૂ. ૪૧ લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો જપ્ત કરાયો

આ ઝુંબેશ દરમિયાન કુલ ૮,૬૮૪ કિલો જપ્ત કરવામાં આવેલા જથ્થામાંથી ૨,૮૬૧ કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો
*દિવાળીના તહેવાર પૂર્વે તા. ૦૩ થી ૧૧ ઓકટોબર, ૨૦૨૫ દરમિયાન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશનું આયોજન*
Ahmedabad, રાજ્યના નાગરિકોને દિવાળીના તહેવારમાં આરોગ્યપ્રદ ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ ૧૩ જેટલા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન અંદાજે રૂ. ૪૧ લાખના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોને જપ્ત-નાશ કરવામાં આવ્યા હતા.
રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેના પરિણામે દિવાળીના તહેવાર પૂર્વે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા અને ગ્રાહકોની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવાના હેતુસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
રાજ્યમાં તા. ૦૩ થી ૧૧ ઓકટોબર, ૨૦૨૫ દરમિયાન આયોજિત આ વિશેષ ઝુંબેશમાં સમગ્ર રાજ્યમાંથી ઘી, દૂધ-દૂધ ઉત્પાદનો, તેલ, મીઠાઈ અને બેકરી આઈટમ સહિતના કુલ ૨,૭૯૯ ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧,૧૧૪ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં તા. ૩ થી ૫ દરમિયાન ઘીના ૩૮૫ નમૂનાઓ, તા. ૬ થી ૮ દરમિયાન ૪૩૧ જેટલા દૂધ અને તેની બનાવટોના નમૂનાઓ તેમજ તા. ૯ થી ૧૧ ઓકટોબર દરમિયાન ૨૯૮ તેલ, મીઠાઈ અને બેકરી આઇટમના નમૂનાઓનો પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.
આ રાજ્યવ્યાપી ઝુંબેશ દરમિયાન કુલ રૂ. ૩૪,૪૯,૩૬૨નો ૮,૬૮૪ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં રૂ. ૨૬.૨૨ લાખથી વધુ કિંમતનું ૪,૫૦૭ કિલો ઘી, રૂ. ૭ લાખની કિંમતની ૩,૪૧૧ કિલો દૂધ અને દૂધની બનાવટો, રૂ. ૯૦ હજારથી વધુના ૫૬૮ કિલો ખોયા તેમજ રૂ. ૩૬ હજારથી વધુનું ૧૯૮ કિલો કેસીનનો સમાવેશ થાય છે. આ જપ્ત કરવામાં આવેલા જથ્થા પૈકી રૂ. ૬.૪૮ લાખથી વધુનો ૨,૮૬૧ કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો.
વધુમાં, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ ઝુંબેશ હજુ પણ ચાલુ જ રાખવામાં આવી છે. જે અંતર્ગત ફિલ્ડ ઓફિસશ્રીઓ દ્વારા સતત ચકાસણી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.