ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત ૧૯ કારીગરોને પુરસ્કૃત કરાશે

તાજેતરમાં મહેસાણા ખાતે આયોજિત VGRCમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉત્કૃષ્ઠ કામગીરી કરતાં ત્રણ કારીગરોને પુરસ્કાર અપાયા
Mehsana, રાજ્યની કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૧૬ અન્વયે હાથશાળ અને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે વર્ષ – ૨૦૨૪માં સિદ્ધિ પ્રાપ્ત કારીગરોને શ્રેણી મુજબ એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. વિવિધ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાના ૧૧ તથા ઝોન મુજબ ૦૮ એમ કુલ ૧૯ જેટલા કારીગરોને પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
જેના ભાગરૂપે તાજેતરમાં મહેસાણા ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ-VGRCમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉત્કૃષ્ઠ કામગીરી કરતાં કારીગરોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં ભરતકામ કેટેગરીમાં પ્રથમ ક્રમે આવનાર બનાસકાંઠાના તુલસી દીપકકુમાર રાઠોડને વોલ હેન્ગીંગ માટે તેમજ ઉત્તર ઝોનમાં પ્રથમ ક્રમાંકે પાટણના સાલવી પરેશકુમાર કાંતિલાલને પટોળા રૂમાલ તથા મહિલા કેટેગરીમાં બનાસકાંઠાના લેરીબેન વિષ્ણુભાઈ સુથારને પેચવર્ક સાડી માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યા અનુસાર હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહિલા અને યુવા કારીગરો સહિત ઔધોગિક સહકારી મંડળીઓ, એન.જી.ઓ. તથા વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યક્તિગત કારીગરોને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર આપવા માટે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ-૨૦૨૪ દરમિયાન વિવિધ શ્રેણી જેવી કે ટેક્ષટાઇલ, ભરતકામ, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/મેટલ ક્રાફ્ટ, અન્ય ક્રાફ્ટ, મહિલા, યુવા કારીગર, લુપ્ત થતી કલા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવેલા કારીગરો પૈકી ટેક્ષટાઇલ કેટેગરી માટે ક્રમશ: પ્રથમ અને દ્વિતીય ક્રમે કચ્છ જિલ્લાના અબ્દુલબશીર ફકીરમામદ ખત્રીને ચંદ્રોકણી બાંધણી દુપટ્ટા તથા સંજોટ પ્રકાશભાઇ પૂંજાને દેશી ધાબડો માટે આગામી સમયમાં પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત ભરતકામ કેટેગરીમાં દ્વિતીય ક્રમે કચ્છના ગરવા સવિતાબેન કાંતિલાલને ઉત્સવ ચણીયા માટે, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/મેટલ ક્રાફ્ટ કેટેગરીમાં પ્રથમ ક્રમે કચ્છના કુંભાર ઝુબેર દાઉદભાઈને માટી આભલા કલાની દિવાલ શો-પીસ તથા દ્વિતીય ક્રમે ભાવનગરના જાંબૂચા મંજુબેન છગનભાઈને મોર માટે એવોર્ડ આપવામાં આવશે.
તેવી જ રીતે અન્ય ક્રાફ્ટમાં કચ્છના ખત્રી સિધીક હસણને ટ્રી ઓફ લાઈફ માટે પ્રથમ ક્રમે અને દ્વિતીય ક્રમે અમદાવાદના ચિતારા વિશાલ જયંતીલાલને ટ્રેડિશનલ નવદુર્ગા માતાની પછેડી માટે એવોર્ડ અપાશે. વધુમાં મહિલા કેટેગરીમાં અમદાવાદના ચિતારા લતાબેન ચંદ્રકાંતભાઈને માતાની પછેડી પાવાની દેવી, યુવા કારીગર કેટેગરીમાં સુરેન્દ્રનગરના વાલેરા આદિત્ય અનિલભાઈને ડબલ ઇક્કત પટોળા સાડી તેમજ લુપ્ત થતી કલા અંતર્ગત સુરેન્દ્રનગરના રાઠોડ ઉકાભાઈ હરિભાઇને કોટન દુપટ્ટા માટે પુરસ્કાર આપવામાં આવશે.
રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ – ૨૦૨૪ માટે ચાર ઝોન મુજબ પણ એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ક્રમાંકે કચ્છના વણકર અરૂણકુમાર મેઘજીને કચ્છ વુલન શાલ અને મહિલા કેટેગરીમાં કચ્છના જમણાબેન અમરા હરીજનને કચ્છી ભરતકામ માટે, દક્ષિણ ઝોનમાં પ્રથમ ક્રમાંકે ભરૂચના શેખ મુનીરહુસેન યાકુબને મુનીરની સુજની માટે
તથા મહિલા કેટેગરીમાં નવસારીના પટેલ સ્વાતિબેન હિરેનકુમારને ભીત ચિત્ર (વારલી પેઈન્ટીંગ) માટે તેમજ મધ્ય ઝોનમાં છોટાઉદેપુરના રાઠવા દેસિંગભાઈ ચિલીયાભાઈને પીઠોરા પેઇન્ટીંગ માટે પ્રથમ ક્રમે અને અમદાવાદના વનીતા કાર્તિક ચૌહાણને પેચવર્ક ગોદડી માટે મહિલા કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.