મહિલાઓ માટેના ખાસ કાર્યક્રમ WEstart અંતર્ગત ૧૯૬ મહિલા સ્ટાર્ટઅપ્સને સહાય આપવામાં આવી

અમદાવાદના i-Hub દ્વારા ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સ અંતર્ગત રાજ્યમાં સર્જાયેલા ૧૪૦૦ જેટલાં સ્ટાર્ટઅપ્સની કુલ માર્કેટ વેલ્યૂ આશરે ૩૧૦૦ કરોડ રૂપિયા પહોંચી
પ્રવર્તમાન સમસ્યાઓ અને તેનું સગવડભર્યું સમાધાન શોધીને ‘માઈન્ડ-ટુ-માર્કેટ’ સુધીની યાત્રા એટલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી-SSIP ૨.૦
અમદાવાદના i-Hubની સફળતાથી પ્રેરાઈને રાજ્યમાં નવા ૪ પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન
સમગ્ર વિશ્વમાં ત્રીજા સૌથી મોટા સ્ટાર્ટ અપ હબ તરીકે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સર્જનાત્મકતાને બહાર લાવવા ભગીરથ પ્રયાસો કર્યા છે. અમદાવાદમાં પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવેલા i-Hubની સફળતાથી પ્રેરાઈને રાજ્યમાં નવા ૪ પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપના માટે રાજ્ય સરકારના ચાલુ વર્ષના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ પહેલને રાજ્ય સરકાર દ્વારા ત્વરિત અમલમાં મૂકીને વર્ષ-૨૦૧૭માં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કુલ ૧૦૦ કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ સાથે ગુજરાત નોલેજ સોસાયટી થકી પાંચ વર્ષ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP) અમલમાં મૂકવામાં આવી.
આ SSIP-1.0નાં ઉત્કૃષ્ટ પરિણામોથી પ્રેરાઈને રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે પાંચ વર્ષ માટે (૨૦૨૨થી ૨૦૨૭) SSIP 2.0 અમલમાં મૂકી અને આ માટે રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી. રાજ્ય સરકારની આ હકારાત્મક નીતિઓ થકી છેલ્લાં ચાર વર્ષથી સ્ટેટ સ્ટાર્ટઅપ રેંકિંગમાં ગુજરાતને સમગ્ર દેશમાં બેસ્ટ પર્ફોર્મર તરીકેનો દરજ્જો પ્રાપ્ત થતો આવ્યો છે.
વિદ્યાર્થીઓને વિવિધ પ્રવર્તમાન સમસ્યાઓ અને તેનું સગવડભર્યું સમાધાન શોધીને ‘માઈન્ડ-ટુ-માર્કેટ’ સુધીની યાત્રા એટલે SSIP. જે અંતર્ગત, વર્ષ ૨૦૧૭થી અત્યાર સુધી કુલ ૨૯૭ ગ્રાન્ટી સંસ્થાઓ થકી ૨૮૯૧ જેટલી બૌધિક સંપદા (IP) ફાઇલ કરી, નાણાકીય સહાય પણ આપવામાં આવી છે.
આશરે ૧૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ સક્રિયપણે આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. જેમને મિટિંગ રૂમ, ક્લાસરૂમ, કોન્ફરન્સ રૂમ અને સંલગ્ન માળખાગત સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. સ્ટાર્ટઅપ્સને ૨૫૦થી વધુ જાણીતા મેન્ટર્સ દ્વારા ૩૬૦ ડિગ્રી (સર્વગ્રાહી) મેન્ટરશિપ પૂરી પાડવામાં આવે છે.
મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સને સહાય આપવા માટે i-Hub દ્વારા WEstart નામનો ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ૧૯૬ મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સને સહાય આપવામાં આવી છે, જે i-Hub દ્વારા સપોર્ટ કરવામાં આવેલાં કુલ સ્ટાર્ટઅપ્સના લગભગ ૩૦ ટકા છે. વિશેષ અહેવાલ: અમિત રાડિયા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
આઈ-હબ (i-Hub)ની સિદ્ધિઓ
- કુલ ૬૨૦ સ્ટાર્ટઅપ્સને સહાય કરવામાં આવી.
- ‘સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ’ યોજના અંતર્ગત પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે રૂ. ૨૩ કરોડથી વધુની ગ્રાન્ટ.
- વિવિધ કાર્યક્રમો થકી ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સને આશરે રૂ. ૪૧૬ કરોડનું ખાનગી ભંડોળ.
- ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સ દ્વારા રાજ્યમાં સર્જાયેલા આશરે ૧૪૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સની કુલ માર્કેટ વેલ્યૂ આશરે ૩૧૦૦ કરોડ રૂપિયા જેટલી થાય છે.
- રાજ્યના ૨૦થી વધુ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.