Western Times News

Gujarati News

એક લાખની સબસિડી મળતાં યુવક પરનું લોનનું ભારણ તો ઘટ્યું, EMIમાં પણ ફરક પડ્યો

વાજપેયી બૅન્કેબલ યોજના હેઠળ હિમાંશુભાઈએ પોતે તો રૂ. એક લાખની સબસિડી મેળવી, અનેક મિત્રોને પણ આ યોજનાનો લાભ અપાવ્યો

વાજપેયી બૅન્કેબલ યોજના હેઠળ ધંધા-રોજગાર માટે બૅન્કમાંથી રૂ. ૨૫ લાખ સુધીની લોન અને મહત્તમ રૂ. પાંચ લાખ સુધીની સબસિડી મળવાપાત્ર છે

Ahmedabad, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક લોકહિતકારી અને રોજગારલક્ષી યોજનાઓ અમલમાં છે. જેનો લાભ પણ અનેક લોકો મેળવી રહ્યા છે. જેમાં અનેક યુવાનો એવા પણ છે, જેઓ પોતે તો આ યોજનાનો લાભ મેળવે જ છે, સાથોસાથ પોતાના મિત્રોને પણ સરકારની આ કલ્યાણકારી યોજનાનો લાભ અપાવી રહ્યા છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ પરમારને પોતાનો ટેક્સીનો વ્યવસાય શરૂ કરવો હતો. પરિચિતોમાંથી કોઈ પાસેથી માહિતી મેળવીને તેઓ અમદાવાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાતે ગયા. જ્યાં તેમને સરકારની વાજપેયી બૅન્કેબલ યોજના અને તેના અંતર્ગત મળતી સબસિડી વિશે માહિતી મળી.

આ યોજના હેઠળ વિવિધ ધંધા-રોજગાર માટે બૅન્કમાંથી રૂ. ૨૫ લાખ સુધીની લોન અને તેના ૨૦ થી ૪૦ ટકા લેખે વધુમાં વધુ રૂ. પાંચ લાખ સુધીની સબસિડી મળવાપાત્ર છે.

પરિણામે, હિમાંશુભાઈએ આ યોજનાનું ઓનલાઇન ફોર્મ ભરીને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી લોન મેળવીને ટેક્સી ખરીદ કરી. ધીમે-ધીમે તેમનો ટેક્સીનો વ્યવસાય સારો ચાલવા લાગ્યો. ત્યાં બીજી તરફ, થોડા સમયમાં જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તેમના બૅન્ક એકાઉન્ટમાં રૂ. એક લાખની રકમ સબસિડી પેટે જમા કરવામાં આવી. હિમાંશુભાઈ જણાવે છે કે આ રકમ થકી તેમના પરનું લોનનું ભારણ પણ ઓછું થયું અને EMIમાં પણ ફરક પડ્યો.

રાજ્ય સરકારની આવી યોજનાઓ નાનો ધંધો શરૂ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે તેમ જણાવી હિમાંશુભાઈ ઉમેરે છે કે તેઓ પોતે તો બે પાંદડે થયા જ, સાથોસાથ પોતાના ત્રણથી ચાર મિત્રોને પણ આ યોજના વિશે જણાવ્યું. પરિણામે, તેમણે પણ રિક્ષા કે ટેક્સી લેવા માટે આ યોજનાનો લાભ લીધો અને સમયસર સબસિડી મેળવીને પોતાના પરનું આર્થિક ભારણ ઘટાડવાની સાથે સારી આવક પણ મેળવતા થયા છે.

રાજ્ય સરકાર દ્વારા અમલી આ પ્રકારની રોજગારલક્ષી યોજનાઓમાં આટલો સરસ લાભ આપવા માટે હિમાંશુભાઈએ વડાપ્રધાનશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાફલ્ય ગાથા: અમિત રાડિયા, સહાયક માહિતી નિયામક, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.