બાવળામાં POCSO કાયદા અંગે વિધાર્થિનીઓને માહિતગાર કરતો સેમિનાર યોજાયો

વિદ્યાર્થિનીઓને સ્વસંરક્ષણ તથા બાળ અને મહિલા સુરક્ષા હેલ્પલાઇન વિશે જાણકારી આપવામાં આવી
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, અમદાવાદ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત બાવળાની મુખ્ય કન્યા શાળામાં POCSO એક્ટ, 2012 (Protection of Children from Sexual Offences Act) વિશે માહિતી આપતો એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શાળાની વિધાર્થિનીઓને આ કાયદા અંગે સંપૂર્ણ માહિતી આપીને તેમને પોતાના હકો અને કાનૂની સુરક્ષા વિશે જાગૃત કરવાનો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી શ્રી મેહુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, શાળાની વિધાર્થિનીઓ સાથે POCSO કાયદાની જોગવાઈઓ અંગે સંવાદ કરવામાં આવ્યો હતો અને શ્રી મેહુલભાઈએ બાળકોના કાનૂની અધિકારો વિશે વિગતવાર સમજણ આપી હતી.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા એકમના એલસીપીઓ શ્રી વિજયભાઈ પ્રજાપતિએ વિધાર્થિનીઓને બાળ સુરક્ષા, જાતિ સમાનતા અને વ્યક્તિગત સુરક્ષા જેવા મહત્ત્વના વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગુડ ટચ અને બેડ ટચના તફાવત વિશે સમજણ આપી હતી. વિધાર્થિનીઓએ પણ વિવિધ પ્રશ્નો પૂછીને આ સત્રમાં સક્રિય ભાગ લીધો હતો.
વધુમાં, સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમેન ટીમ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ અને સુરક્ષા સંબંધિત વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમના સમાપન સમયે, ઉપસ્થિત અધિકારીઓએ દીકરીઓને સ્વસંરક્ષણ માટે સજાગ રહેવાની તેમજ કોઈ પણ શંકાસ્પદ કે ભયજનક પરિસ્થિતિમાં તાત્કાલિક 1098 (બાળ સુરક્ષા હેલ્પલાઇન) અથવા 181 (મહિલા અભયમ હેલ્પલાઇન) પર સંપર્ક કરવાની અપીલ કરી હતી.