ગોધરા ખાતેથી રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો કૃષિમંત્રી રાઘવજી પટેલે

Ø રાજ્યના ૨.૪ લાખ હેક્ટર વિસ્તારમાં ૫.૬૪ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
Ø ખેડૂતો માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકે તે અર્થે આઈ–ખેડૂત પોર્ટલ સેવા શરૂ
Ø છેલ્લા ૧૦ વર્ષમાં ૧ કરોડ વધુ ખેડૂતોને રૂ. ૧૨ કરોડથી વધુની કુદરતી આપદા સહાય
Ø ખેતી માટેની વીજ બિલમાં રાહત માટે બજેટમાં રૂ.૧૦ હજાર કરોડથી વધુની જોગવાઈ
ગુજરાતના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતીમાં પંચમહાલ જિલ્લાના આંગણે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ગોધરાના રામ દરબાર મંદિર પાસે છબનપુર ખાતે કરવામાં આવી હતી.
કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજી પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યા પછી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ‘ સૂત્ર સાથે ગુજરાતને વિકાસના પંથે આગળ વધાર્યું.
ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે તેમણે સૌપ્રથમ કૃષિ મહોત્સવનું આયોજન કર્યું, જેના દ્વારા કૃષિ રથો મારફતે ખેડૂતોને નવા બિયારણ, સંશોધનો, કાયદાઓ અને યાંત્રિક સાધનો અંગે માહિતગાર કરાયા. પરિણામે, ગુજરાતનો કૃષિ વિકાસ દર ૯.૭૫% રહ્યો છે. આ પ્રગતિને આગળ ધપાવવા માટે, સરકારે ખેડૂતો માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકે તે અર્થે આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કર્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારે ખેડૂતોને વિવિધ યોજનાઓ દ્વારા નોંધપાત્ર સહાય પૂરી પાડી છે. યાંત્રિક સાધનોમાં ટ્રેક્ટર સહાય રૂ. ૪૫,૦૦૦-૬૦,૦૦૦ થી વધારીને રૂ. ૧ લાખ સુધીની કરાઈ છે, તેમજ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય પણ રૂ. ૭૫,૦૦૦થી વધારીને રૂ. ૧ લાખ કરી છે. ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ‘ડ્રોન દીદી યોજના‘ અમલમાં મૂકી છે.
છેલ્લા ૧૦ વર્ષમાં ૧ કરોડ વધુ ખેડૂતોને રૂ. ૧૨ કરોડથી વધુની કુદરતી આફત સહાય આપવામાં આવી છે. સિંચાઈ માટે નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ થતાં સિંચાઈનો લાભ સમગ્ર ગુજરાતને મળ્યો છે, અને ખેતી માટેની વીજળીના બિલમાં રાહત માટે બજેટમાં રૂ. ૧૦ હજાર કરોડથી વધુની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી અત્યાર સુધીમાં ખેડૂતોને રૂ. ૨૧ હજાર કરોડથી વધુની સહાય મળી છે.
મંત્રીશ્રીએ વધુમા ઉમેર્યુ હતુ કે રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીન બિનઉપજાવ ન બને તે માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીના વ્યાપ પર સમગ્ર દેશમાં ભાર મૂકવામાં આવ્યો છે. જે માટે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે અને પ્રાકૃતિક કૃષિ બોર્ડની રચના કરી રૂ. ૧૫૦ કરોડનું ફંડ ફાળવ્યું છે. પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત હોવાથી, ખેડૂતને દેશી ગાય રાખવા માટે દર મહિને રૂ. ૯૦૦ (વાર્ષિક રૂ. ૧૦,૮૦૦)ની આર્થિક સહાય આપવામાં આવે છે. હાલમાં રાજ્યના ૨.૪ લાખ હેક્ટર વિસ્તારમાં ૫.૬૪ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જે ખરેખર આપણા સૌની માટે ગૌરવની વાત છે.
આગામી સમયમાં પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને સહાય આપી ઉદ્યોગ વિકસાવવામાં આવી રહ્યો છે. કેરી, શાકભાજી, સૂકી ડુંગળી અને લસણ જેવી કૃષિ પેદાશોની નિકાસ વધારવા પ્રયત્નો કરાયા છે. સરકાર ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવી વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્રે પૂરતા પ્રયત્નો કરી રહી છે તેમ જણાવી ખેડૂતોને પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લઈ ઉપયોગી અને જરૂરી માહિતી મેળવવા મંત્રીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ તકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઇ ભરવાડ એ જણાવ્યુ હતુ કે ગુજરાતની વિકાસની ૨૪ વર્ષની વિકાસતાત્રાને વિકાસ સપ્તાહના રૂપે દર વર્ષે ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવે છે. વિકાસ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની વિકાસ યાત્રા, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને નાગરિકો માટે કરાયેલા કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો છે તેમ જણાવી તેમણે રવિ કૃષિ મહોત્સવનું આગામી રવિ પાકને ધ્યાનમાં રાખીને રાજ્યના ખેડૂતોને રવિ પાકોની કૃષિ તાંત્રિકતા, વિવિધ યોજનાઓ અને નવીન સાધન સામગ્રી વિશે જાણકારી મળી રહે તે આશયથી કરવામાં આવ્યું છે તેમ ઉમેર્યુ હતુ.
વધુમાં ઉપાધ્યક્ષશ્રીએ પંચમહાલ ડેરી, પંચમહાલ બેંક ગુજરાત, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીનું કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ધિરાણ આપવામાં આવે છે તેમ જણાવી પંચમહાલ બેંક અને ડેરીની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. તેમજ તેમણે ગુજરાતની અંદર પંચમહાલ ડેરી અને પંચમહાલ બેંક બંનેનું મોડેલ આખા દેશ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યું તેમ કહી પંચમહાલ ડેરી અને પંચમહાલ બેંકે ૧૦૦% સિદ્ધિ હાંસલ કરી છે તેમ જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં પ્રારંભમાં કૃષિ ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોને “પ્રાકૃતિક ખેતી અને કૃષિના નવતર પ્રયોગો જેવા વિષયો અંગે માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના અંદાજીત ૩૦ થી વધુ ખેડૂત લાભાર્થીઓને મંચ ઉપરથી મહાનુભાવોના હસ્તે કૃષિ વિભાગના વિવિધ ઘટકો અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમના અંતે મહાનુભાવોએ કૃષિ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, રાજ્યસભાના સાંસદ શ્રી જશવંતસિંહ પરમાર, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, જિલ્લાના ધારાસભ્યો સર્વ શ્રી જયદ્રથસિંહ પરમાર, ફતેસિંહ ચૌહાણ, સી.કે.રાઉલજી, શ્રીમતી નિમિષાબેન સુથાર, કૃષિ વિભાગના રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ.અંજુ શર્મા, પશુપાલન વિભાગના સચિવશ્રી સંદીપ કુમાર, ગુજરાત કિસાન સંઘના મહામંત્રીશ્રી આર કે પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રી, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.દેસાઈ, અગ્રણીશ્રી મયંકભાઈ દેસાઈ, કૃષિ વિભાગના ઉપસ્થિત અધિકારીશ્રીઓ, ખેતી નિયામકશ્રી તેમજ પદાધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂત-પશુપાલક ભાઈઓ-બહેનો, ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.