Western Times News

Gujarati News

25 હજાર કે.વી. રેલવે વીજ કેબલ તૂટ્યોઃ મોટી જાનહાની ટળી

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પંડિયાપુરા ગામ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે આજે એક ગંભીર ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, ભગીરથ માઇનસ ખાતે થયેલા બ્લાસ્ટ દરમિયાન પથ્થર હવામાં ઉડીને રેલ્વેની ૨૫ હજાર KW હાઈ ટેન્શન વીજ કેબલ ઉપર પડ્‌યો,

જેના કારણે કેબલ તૂટી પડ્‌યો હતો.આ અચાનક બનેલી ઘટનાથી ગોધરા-આણંદ સેક્શન વચ્ચેનો રેલ વ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો છે. હાઈ ટેન્શન વીજ પુરવઠો ખોરવાતા કેટલાંક રેલવે સિગ્નલ અને ઓપરેશનલ સિસ્ટમ પર પણ અસર જોવા મળી છે.

ઘટનાની જાણ થતાં જ રેલ્વે વિભાગના ઈજનેરો, ટેકનિકલ ટીમો તેમજ ગોધરા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તાત્કાલિક તકેદારીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ રાખીને દુરસ્તીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સ્થળ પર પંચમહાલ જિલ્લા પોલીસ તેમજ રેલવે અધિકારીઓની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક અનુમાન મુજબ, માઇનસ વિસ્તારમાં થયેલો બ્લાસ્ટ પૂરતી સુરક્ષા પ્રક્રિયા વિના કરવામાં આવ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના બની હોવાનું મનાય છે.
હાલ રેલ વ્યવહાર ધીમો પડ્‌યો છે, અને ટ્રેનોને નજીકના સ્ટેશનો પર રોકી રાખવામાં આવી છે. રેલ્વે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વીજ કેબલની મરામત પૂર્ણ થયા બાદ જ વ્યવહાર સામાન્ય સ્થિતિમાં આવશે.

સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈ ભારે ચકચાર મચી ગઈ છે, કારણ કે કેબલ તૂટ્યા બાદ થોડો સમય વીજ ચમક તથા અવાજો પણ સંભળાયા હતા. સદનસીબે, કોઈ જાનહાનિ થયેલી નથી. રેલવે અને પોલીસ બંને વિભાગ આ મામલે સંયુક્ત તપાસ શરૂ કરી છે, તેમજ ભગીરથ માઇનસ સંચાલકો પાસેથી પણ વિગતવાર માહિતી લેવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.