સુરતમાં જૈનમ બ્રોકિંગ પર આવકવેરાના દરોડા: મોટાપાયા પર નાણાકીય હેરફેર

AI Image
અંદાજે રૂ.૧૦૦ કરોડથી વધુ રકમ લીધી પણ સ્કીમ પ્રમાણે નાણાં પરત કર્યા નહીં
સુરત, શેર ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલી જૈનમ બ્રોકિંગ પર ઈન્કમટેક્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં અમૃતસરની ટીમની સાથે સુરત આઈટીના પણ અધિકારીઓએ શહેરમાં જૈનમ બ્રોકિંગના નામે કાર્યરત પાંચ જેટલા સ્થળો પર કાર્યવાહી કરી છે.
શેર બજારમાં રોકાણ કરવાના નામે લોકોને લોભામણી સ્કીમ આપીને અંદાજીત ૧૦૦ કરોડથી વધુ રકમ લોકો પાસેથી લીધી હતી. ત્યારબાદ લોકોએ આપેલી સ્કીમ પ્રમાણે નાણાંની ચુકવણી કરવામાં નહીં આવવાના કારણે ભારે હોબાળો મચ્યો હતો. તેમાં આ રીતે લોભામણી સ્કીમ આપનાર પહેલા જૈનમ બ્રોકિંગમાં જ કામ કરતો હતો.
પરંતુ ત્યારબાદ તેને છુટો કરી દેવામાં આવ્યો હોવાની વાતો કરવામાં આવી હતી. જોકે ભોગ બનનારાઓ દ્વારા જૈનમમાં જ રોકાણ કરવામાં આવી રહ્યાની વાત કરી હતી. ત્યારબાદ સમગ્ર પ્રકરણમાં ગુનો પણ દાખલ કરાયો હતો. ઓગસ્ટ માસમાં થયેલી આ કાર્યવાહીમાં હવે ઈન્કમટેક્સ વિભાગને પણ જૈનમ બ્રોકિંગ દ્વારા ગ્રાહકોના પુરતા પુરાવા લીધા વિના તેઓના નામે રોકાણ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો જાણવા મળી હતી,
જેથી ટેક્સની મોટાપાયે ચોરી કરવામાં આવી રહી હોવાની આશંકાના આધારે આજે સુરત શેહરમાં પાંચ સ્થળો પર તપાસ કરી હતી. આ તપાસ અમૃતસરની ટીમની સાથે સુરત આઈટીના પણ અધિકારીઓ જોડાયા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે આ તમામ બાબતો અંગે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કોઈપણ વાતનું સમર્થન અપાયું નથી.
પરંતુ શેર ટ્રેડિંગ સાથે જોડાયેલા લોકો દ્વારા હેજિંગ કરવાની સાથે સાથે સેબીના નિયમ પ્રમાણે કેવાયસીની પણ વિગતો રજૂ કરવામાં અખાડા કરવામાં આવી રહ્ હતા. તેમાં મોટાપાયા પર નાણાકીય હેરફેર કરવામાં આવી રહી હતી. તેમજ નિયમ પ્રમાણે ટેક્સ ભરપાઈ કરાતો નહીં હોવાના લીધે આઈટી ટીમ દ્વારા કેટલા ગ્રાહકો છે. તેઓના બેંક ખાતા સહિતની વિગતો હાલ તો એકત્ર કરવામાં આવી રહી છે.