ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા’ માં શ્રેષ્ઠ ગામનો એવોર્ડ ભરૂચ જિલ્લાના આ ગામને મળ્યો

વાગરાના અખોડ ગામને ‘સ્વચ્છતા હી સેવા’ માં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યમાં શ્રેષ્ઠ ગામનો એવોર્ડ
(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અખોડ ગામને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યમાં શ્રેષ્ઠ ગામનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના અખોડ ગામને આ એવોર્ડ ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન (Solid and Liquid Waste Management – SLWM), વેસ્ટ ટુ વેલ્થ (કચરામાંથી સંપત્તિ), પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, અને ખાતરમાંથી આવક ઊભી કરવા જેવી અનેક બાબતોમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એનાયત કરવામાં આવ્યો છે.
આ કામગીરી દ્વારા અખોડ ગામે સ્વચ્છતા અને આર્થિક ઉપાર્જનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકીએ રાજકોટ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો.
જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામજનોએ આ સિદ્ધિ બદલ અખોડ ગામને અભિનંદન પાઠવ્યા છે. સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીએ આ એવોર્ડનો શ્રેય સમસ્ત ગામલોકોના સહકાર અને આરોગ્ય વિભાગ તથા પંચાયતના કર્મચારીઓની મહેનતને આપ્યો હતો.આ સિદ્ધિ સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવરૂપ છે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રા) હેઠળ સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ મા શ્રેષ્ઠ ગામ બદલ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અખોડ ગામના સરપંચને શ્રેષ્ઠ ગામ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.