Western Times News

Gujarati News

લા નિનાને કારણે સમગ્ર દેશમાં આકરી ઠંડી પડવાની આગાહી

નવી દિલ્હી, શિયાળાનું સત્તાવાર આગમન ન થયું હોવા છતાં ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે લા નીનાને કારણે દેશના ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ઠંડી પડશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ લા નીનાથી ભારતના ઘણા વિસ્તારો અને ખાસ કરીને ઉત્તર ભારતમાં શિયાળામાં કડકડતી ઠંડી પડી શકે છે.

પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અને વારંવાર ઠંડીના મોજા આવી શકે છે. હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ થઈ ગઈ છે. ઉત્તરીય મેદાની વિસ્તારોમાં પણ તાજેતરના દિવસોમાં તાપમાનમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. તેથી ભારતમાં આ વર્ષે શિયાળાની ઋતુ સામાન્ય કરતાં વહેલી શરૂ થવાની આગાહી છે.

તાજેતરના દિવસોમાં દિલ્હી અને ઉત્તરીય મેદાનોના કેટલાંક વિસ્તારોમાં તાપમાનમાં પણ અચાનક નોંધપાત્ર ઘટાડો થયો હતો. ઉત્તર ભારતમાં દિવાળી પહેલા જ શિયાળાનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોઈડા, ગાઝિયાબાદ અને ગુડગાંવ સહિત દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં સવારે હળવો ધુમ્મસ છવાઈ ગયો હતો. મધ્ય અને પૂર્વીય પેસિફિકમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં ઘટાડો લા નીનાની વિકસતી સ્થિતિ દર્શાવે છે, જે હાલના વેધર ટ્રેન્ડ અને શિયાળાની ભાવિ પેટર્નનું મુખ્ય પરિબળ છે. લા નીના એક વ્યાપક હવામાન પેટર્ન છે, જેને અલ નીનો-સધર્ન ઓસિલેશન તરીકે ઓળખવામાં આવે છે. આવી પેટર્નને કોલ્ડ ફેઝ તરીકે પણ ઓળખવામાં આવી છે.

મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પેસિફિકમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં ઠંડુ થઈ જાય ત્યારે લા નીનાની અસર જોવા મળે છે. તેનાથી વિશ્વભરની હવામાન પેટર્ન પ્રભાવિત થાય છે. ચક્રમાં ત્રણ તબક્કાઓ હોય છે, જેમાં ગરમ (અલ નીનો), ઠંડુ (લા નીના) અને તટસ્થનો સમાવેશ થાય છે. આ ત્રણ તબક્કા દર બે થી સાત વર્ષે બદલાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.