1977માં પ્રેમિકાની હત્યા કરી ભાગેલો આરોપી 48 વર્ષે પકડાયો

મુંબઈ પોલીસે ૧૯૭૭ના હત્યાના પ્રયાસના કેસમાં ૭૧ વર્ષના વૃદ્ધની ધરપકડ કરી-૪૮ વર્ષથી ફરાર આરોપી આખરે ઝડપાયો
મુંબઈની કોલાબા પોલીસે એક નાટકીય સફળતા મેળવતાં હત્યાના પ્રયાસના ૧૯૭૭ના કેસમાં આશ્ચર્યજનક રીતે ૪૮ વર્ષથી ફરાર રહેલા એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ચંદ્રશેખર મધુકર કાલેકર (ઉંમર ૭૧ વર્ષ) તરીકે થઈ છે અને તેની ધરપકડ રત્નાગિરી જિલ્લાના દાપોલી ખાતેના નિવાસસ્થાનેથી કરવામાં આવી હતી. કથિત ગુનાના સમયે કાલેકરની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, કાલેકરે તેની પ્રેમિકા પર બેવફાઈના શકના આધારે કોલાબામાં ચાકુ વડે હુમલો કર્યો હતો. તે સમયે તેની ધરપકડ થઈ હતી અને બાદમાં જામીન પર છૂટ્યા પછી તે ફરી ક્યારેય કોર્ટમાં હાજર થયો નહોતો. કોલાબા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “જામીન મળ્યા પછી, તેણે કોર્ટની કાર્યવાહીમાં આવવાનું બંધ કરી દીધું હતું.
વર્ષોથી તેની સામે અનેક વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા અને આખરે તેને જાહેર ગુનેગાર (Proclaimed Offender) જાહેર કરવામાં આવ્યો હતો. અમે દાયકાઓથી તેને શોધી રહ્યા હતા.” લાલબાગની હાજી કસમ ચાલના પુનર્વિકાસ પછી કાલેકર સ્થળાંતર થતાં તેની ભાળ મળતી ન હતી. જોકે, છ મહિના પહેલાં કોલાબા પોલીસે કેસ ફરી ખોલ્યો અને નવી તપાસ શરૂ કરી.
અધિકારીઓએ તેના છેલ્લા જાણીતા સરનામાની તપાસ કરી, પરંતુ તે કોઈ મતદાર યાદી કે જાહેર રેકોર્ડમાં મળી આવ્યો નહોતો. અધિકારીએ કહ્યું, “કોઈ ઇલેક્ટોરલ રેકોર્ડ દ્વારા તેનો પત્તો લાગ્યો નહીં. આથી, અમે કોર્ટના રેકોર્ડ્સ અને વાહનવ્યવહાર વિભાગના ડેટાબેઝ તપાસવાનું શરૂ કર્યું.
ત્યારે જ અમને દાપોલી પોલીસ સ્ટેશનમાં ૨૦૧૫માં તેના વિરુદ્ધ નોંધાયેલો એક ગુનો મળ્યો, જે રોડ રેજના એક બનાવમાં વ્યક્તિને ઇજા પહોંચાડવા બદલ નોંધાયો હતો.” દાપોલીના સરનામે કાલેકર રહેતો હશે કે કેમ, તે અંગે પોલીસને ખાતરી નહોતી, પરંતુ સોમવારે મોડી રાત્રે પોલીસ ટીમ તે સ્થળે પહોંચી અને તેમને આશ્ચર્ય થયું કે આરોપી ત્યાં જ હાજર હતો. અધિકારીએ જણાવ્યું, “૪૮ વર્ષ પછી દરવાજે પોલીસને જોઈને તે ચોંકી ગયો.
તે લગભગ આ કેસ વિશે ભૂલી જ ગયો હતો.” ૧૯૭૭માં ૨૩ વર્ષના યુવાન રહેલા કાલેકરનો દેખાવ ૭૧ વર્ષની ઉંમરે ઘણો બદલાઈ ગયો હતો, જેના કારણે દાયકાઓ જૂના ફોટોગ્રાફ્સના આધારે તેને ઓળખવો મુશ્કેલ હતો, પરંતુ પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હતો. કાલેકરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયો છે.