રાજકોટ સોની બજારમાં ઘરેણાં બનાવતી વખતે ભીષણ આગ, એક કારીગરનું મોત

પ્રતિકાત્મક
રાજકોટ, રાજકોટ શહેરના દીવાનપરા વિસ્તારમાં શેરી નંબર ૧૦માં આવેલા સોની બજારના શ્રીહરી કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે લાગેલી આગમાં એક બંગાળી કારીગરનું કરુણ મોત થયું છે. કોમ્પ્લેક્ષના પાંચમા માળે આવેલા પતરાના ડોમમાં (શેડ) સોના-ચાંદીના ઘરેણાંની બફિંગ અને પાલિસનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી.
ફાયર વિભાગે ૪ કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.શ્રીહરી કોમ્પ્લેક્ષના પાંચમા માળે આગ લાગી હતી. આ ઘટનામાં એક કારીગરનું મોત થયું છે, જ્યારે અન્ય એક કારીગર ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે, સોની કામ માટે દુકાનમાં રાખેલા એલપીજી ગેસના ૪ સિલિન્ડરો પૈકી એક સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટેરેસ પરનો ડોમ સંપૂર્ણપણે સળગી ગયો હતો.ફાયર વિભાગના જણાવ્યા મુજબ, રાત્રે ૧.૧૮ વાગ્યે દિવાનપરા શેરી નં.૧૦માં આવેલા શ્રીહરી કોમ્પ્લેક્ષમાં આગ લાગ્યાના સમાચાર મળતા તાત્કાલિક બેડીપરા ફાયર સ્ટેશનથી બે ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.
સોની બજારની સાંકડી શેરીઓના કારણે ફાયર ફાઈટરને પહોંચવું મુશ્કેલ બન્યું હતું. તેમ છતાં, બેડીપરા અને કાલાવડ રોડ ફાયર સ્ટેશનના મળીને કુલ પાંચ ફાયર ફાઈટરની મદદથી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી. આગ લાગી ત્યારે સાતથી આઠ જેટલા કારીગરો અંદર કામ કરી રહ્યા હતા.SS1MS