શ્રેષ્ઠ પ્રદર્શન કરાવવા ક્યારેક નીડર નિર્ણય લેવા પડે છેઃ ગિલ

મુંબઈ, ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે પહેલી ટેસ્ટ સિરીઝ જીતનારા શુભમન ગિલે મંગળવારે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતના સાત વિકેટના વિજય બાદ જણાવ્યું હતું કે તે કેટલાક નીડર અને આકરા નિર્ણય લેતા ખચકાતો નથી.
ગિલે જણાવ્યું હતું કે એક કેપ્ટન તરીકે તમારી હંમેશાં સમીક્ષા થતી રહે છે અને વર્તમાન ક્રિકેટમાં તીવ્ર હરિફાઈને કારણે તમારે દરેક પગલું સાવચેતીથી ભરવું પડે છે. આ સંજોગોમાં ખેલાડીઓ પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવા માટે તમારે ક્યારેક કપરાં અને નીડર નિર્ણય લેવા પડતા હોય છે.
એક કેપ્ટન તરીકે ગિલ પહેલી વાર ટીમને લઈને ઇંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો જ્યાં તે એક બેટર તરીકે તથા કેપ્ટન તરીકે સારી એવી સફળતા હાંસલ કરી શક્યો હતો. તેણે પાંચ ટેસ્ટની સિરીઝ ૨-૨થી ડ્રો કરાવવામાં સફળતા હાંસલ કરી હતી. હવે તેની આગેવાનીમાં ભારતે મંગળવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટની સિરીઝ ૨-૦થી જીતી હતી. આમ એક કેપ્ટન તરીકે તેણે પહેલી વાર સિરીઝ જીતી હતી.
ગિલે મેચ બાદ જણાવ્યું હતું કે મેં તમામ શક્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધા હતા કે જેનાથી તમે મેચમાં ટકી રહો. ક્યારેક તમારે એવા નિર્ણય લેવા પડતા હોય છે જે તમને ખેલાડી પાસેથી ચોક્કસ બેટિંગ કે બોલિંગ કરાવીને સફળતા અપાવી શકે.હું એમ કહીશ કે આ પ્રકારની પરિસ્થિતિથી હું ટેવાઈ ગયો છું જ્યાં પરિસ્થિતિ મુજબના નિર્ણય તથા ટીમને આગળ ધપાવવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે હું વિચારતો રહું છું.
મારી ટીમના તમામ ખેલાડીને કેવી રીતે મેનેજ કરવા અને તે માટે શું કરવું તે ધીમે ધીમે ફાવી ગયું છે તેમ શુભમન ગિલે જણાવ્યું હતું.તેણે ઉમેર્યું હતું કે મને જવાબદારી લેવી પસંદ છે. જે તે ખેલાડીને મેદાન પર જઈને કેવી રમત દાખવવી તે માટે માર્ગદર્શન આપવું તે મને ફાવી ગયું છે અને આ બાબત હું મારી સ્ટાઇલથી કરી રહ્યો છું.
કેટલાક મહત્વના નિર્ણયમાં સામેલ થવું અને તેમાં સફળતા મેળવવી તે મને પસંદ છે. અને, મને લાગે છે કે આ બાબત મારામાંથી સર્વશ્રેષ્ઠ બહાર લાવવામં મને મદદ કરે છે.
બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને ફોલોઓન કરવાના નિર્ણય અંગે સવાલ કરતાં ગિલે એ ટીકા ફગાવી દીધી હતી કે તેનાથી બોલર્સ પર વધારે બોજો આવી ગયો હતો કેમ કે તેમને આ પ્રકારની પિચ પર સતત બોલિંગ કરવી પડી હતી. તેને બદલે ગિલે જણાવ્યું હતું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો.
તેણે કહ્યું હતું કે અમે લગભગ ૩૦૦ રનથી આગળ હતા અને વિકેટ થોડી નિર્જીવ હતી તે સંજોગોમાં અમે વિચાર્યું હતું કે અમે ૫૦૦ રન પણ આગળ હોઈએ અને પાંચમા દિવસે અમારે છ કે સાત વિકેટ લેવાની બાકી હોત તો તે બાબત આસાન ન હતી અને તેનાથી અમારી તરફેણમાં પરિણામ આવી શક્યું ન હોત અથવા તો મેચ ડ્રો રહી ગઈ હોત. અંતે અમે અમારા નિર્ણયમાં સાચા પડ્યા હતા કેમ કે ટારગેટ ખાસ મોટો ન હતો.SS1MS