વન-ડે વર્લ્ડ કપને હજી વાર છે, વર્તમાનમાં રહેવાની જરૂરઃ ગંભીર

નવી દિલ્હી, ભારતના સ્ટાર અને અનુભવી ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી ૨૦૨૭નો વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ રમવા આતુર હશે પરંતુ ભારતીય ટીમના ચીફ કોચ ગૌતમ ગંભીર આ જોડી વિશે કોઈ વચન આપતો નથી.
પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતના સાત વિકેટના વિજય અને ૨-૦ના સિરીઝ વિજય બાદ ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે ૨૦૨૭ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપને હજી બે વર્ષ કરતાં વધુ સમયની વાર છે અને હાલમાં તો આપણે વર્તમાનમાં રહેવું જરૂરી છે.
ભારતની વન-ડે ટીમના સુકાની તરીકે પસંદગીકારોએ શુભમન ગિલની નિયુક્તિ કરીને ટીમમાં પરિવર્તનના સંકેત અગાઉથી જ આપી દીધા છે ત્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માના ભાવિ અંગે શંકા પેદા થવા લાગી છે. ૨૦૨૭માં વર્લ્ડ કપનું આયોજન થનારું છે અને તે વખતે કોહલી ૩૯ અને રોહિત ૪૦ વર્ષનો હશે.ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે ૫૦ ઓવરનો વર્લ્ડ કપ હજી બેથી અઢી વર્ષ દૂર છે.
તેના કરતાં વર્તમાનમાં રહેવું વધારે મહત્વનું છે. દેખીતી રીતે જ તેઓ સારા ખેલાડી છે. તેઓ પરત ફરી રહ્યા છે. તેમનો અનુભવ ઓસ્ટ્રેલિયામાં અમને ઘણો કામ લાગવાનો છે.આશા રાખું કે રોહિત અને કોહલી માટે આ સિરીઝ સફળતા લાવનારી રહે અને તેના કરતાં પણ મહત્વની બાબત એ છે કે એક ટીમ તરીકે અમારા માટે આ સિરીઝ સફળ રહે તેમ બંને ભૂતપૂર્વ સુકાનીઓના ભાવિ અંગેના પ્રશ્નનો ગંભીરે ઉત્તર આપ્યો હતો.
આગામી બેથી ત્રણ મહિનામાં ભારતને નવ વન-ડે મેચ રમવાની છે અને તેમાં આ બંને ખેલાડી કેવી રમત દાખવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડે રમ્યા બાદ સાઉથ આળિકા અને ન્યૂઝીલેન્ડ સામે પણ ત્રણ ત્રણ વન-ડે મેચ રમવાની છે. છેલ્લા એક વર્ષમાં ગૌતમ ગંભીરના કોચ તરીકેના કાર્યકાળમાં ભારતીય ટીમ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે.SS1MS