અમદાવાદ મ્યુનિ. અધિકારી અને કોન્ટ્રાકટર વચ્ચે ડ્રેનેજ લાઈન બાબતે ઉગ્ર બોલાચાલી

AI Image
નિકોલ વોર્ડની ઘટના (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અને પૂર્વ ઝોનના ઇજનેર વિભાગના અધિકારી વચ્ચે ગાળા ગાળી અને ઉગ્ર બોલાચાલી થઈ હોવા અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઈન તોડી નાખવામાં આવ્યા બાદ તે બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાણ ન કરવામાં આવતા અધિકારી ગુસ્સે ભરાયા હતા અને તેને ન બોલવાના શબ્દ બોલી દેવાતા બંને વચ્ચે ઉગ્ર ચાલી થઈ હતી. આ સમગ્ર વિડિયો વાયરલ થયો છે. તેને લઈને તપાસ શરૂ થઈ ગઈ છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના ઇજનેર વિભાગના અધિકારી રાજેશ રાઠવાએ જણાવ્યું હતું કે નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી છે.
આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે બાજુમાંથી પસાર થતા ડ્રેનેજ લાઈન તોડી નાખી હતી. જેને કોન્ટ્રાક્ટરે જાતે જ રીપેરીંગ કરી દીધી હતી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઝોનના આસિસ્ટન્ટ સીટી ઇજનેરને જાણ કરવામાં આવી નહોતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાણ થઈ નહીં અને બીજી તરફ કેટલાક વિસ્તારમાં ડ્રેનેજ લાઈન માં ક્યાંક તકલીફ હોવાના કારણે થઈને નિકોલના કેટલાક વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા થઈ હતી.
આ લાઇનની કામગીરી જાણ કર્યા વિના કરવાથી ગટર ઉભરાઈ હતી આ બાબતે આસિસ્ટન્ટ સીટી ઇજનેર દ્વારા અધિકારીઓની સાથે કોન્ટ્રાક્ટરને સ્થળ પર ખખડાવ્યા હતા. જે બાબતે આસિસ્ટન્ટ સીટી ઇજનેર અને કોન્ટ્રાક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી
જો કે, સ્થળ પર હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મામલાને શાંત કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે જે બોલાચાલી થઈ હતી તેનો વિડીયો સામે આવ્યો છે જો કે હવે આ બાબતે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેના બિલમાંથી દંડની રકમ પણ કાપવામાં આવશે.